જો બિડેને તેમના વતન વિલ્મિંગ્ટન ખાતે સમર્થકોને કરેલ ઔપચારિક સંબોધનમાં પ્રેસિડન્ટ તરીકેનો ચાર્જ લેવા પોતે તૈયાર હોવાના સંકેતો આપતાં કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ખાળવું એ મારી સૌ પ્રથમ અગ્રતા બની રહેશે. આ માટેનો મારો પ્લાન હું બહુ ઝડપથી દેશ સમક્ષ રજૂ કરીશ. દેશ હાલ બે અંતિમવાદી વિચારધારા વચ્ચે વહેંચાઈ ગયો છે એ પણ મારા મતે ગંભીર બાબત છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે એ સ્વીકારીને સૌએ અમેરિકાને મજબૂત બનાવવાના લક્ષ્ય માટે કાર્યરત થઈ જવાનું છે. વિચારધારા વચ્ચેનો ભેદ ભૂંસવો એ પણ મારી પ્રાથમિકતા રહેશે.
તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કરીને પ્રેસિડન્ટ બન્યા બાદ પોતાની પ્રાથમિકતા શું રહેશે તે અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હવે બહુ સ્પષ્ટ છે કે, આપણે વ્હાઈટ હાઉસની રેસમાં જીત મેળવવા જઈ રહ્યા છે. ચૂંટણીના કારણે તનાવ સર્જાયો છે અને લોકો વચ્ચે અંતર વધ્યુ છે, મારી પહેલી પ્રાથમિકતા અમેરિકાને એક કરવાની રહેશે. મારી જવાબદારી છે કે, જીત બાદ હું સમગ્ર અમેરિકાનુ પ્રતિનિધિત્વ કરુ.
બિડેને જણાવ્યું હતું કે જે પાંચ રાજ્યોમાં મત ગણતરી ચાલી રહી છે તેમાંથી ચારમાં આપણે આગળ છે. આપણી પાસે આંતરિક ઝઘડા કરવાનો સમય નથી. આપણે એક બીજાના હરીફ હોઈ શકીએ છે પણ દુશ્મન નથી. અમેરિકાના લોકો એવો દેશ ઈચ્છે જે એક હોય, લોકોએ મને કોરોના મહામારી, ઈકોનોમી, ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દા પર લડવા માટે સમર્થન આપ્યુ છે.