અમેરિકાના હારેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે એવા સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઈડેનને સત્તાની સોંપણી કોઈ વિઘ્ન વિના કરાશે, પોતે 20મી જાન્યુઆરીએ સ્વેચ્છાએ પોતાના હોદ્દાનો ત્યાગ કરશે.
અમેરિકન કોંગ્રેસે વિધિસર રીતે બાઈડેનના વિજય ઉપર મહોર માર્યાની ગણતરીની મિનિટો પછી ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું જો કે, ચૂંટણીના જાહેર કરાયેલા પરિણામો સાથે સંપૂર્ણપણે અસંમત છું, કેટલીક હકિકતો પણ મારા વલણને સમર્થન આપે છે, છતાં 20મી જાન્યુઆરીએ સત્તાનું હસ્તાંતરણ સરળતાપૂર્વક થશે.”
તેણે એવું પણ ઉમેર્યું હતું કે, “પ્રેસિડેન્શિયલ ઈતિહાસમાં સૌથી વધુ મહાન પહેલી ટર્મનો આ સાથે અંત આવે છે, પણ અમેરિકાને ફરી મહાન બનાવવા માટેની અમારી લડતની આ તો હજી ફક્ત શરૂઆત છે.” આ રીતે, તેણે સંકેત આપ્યો હતો કે, 2024માં પોતે ફરી પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં સ્પર્ધામાં ઝુકાવી શકે છે.