અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને તમામ મહિલાઓનો સમાવેશ કરીને સિનિયર વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન ટીમની રવિવારે જાહેરાત કરી હતી. બાઇડનની ઓફિસે દેશના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું હોવાનો દાવો કર્યો હતો.
કમ્યુનિકેશન્સ ટીમમાં જેન સેકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ વ્હાઉટ હાઉસ પ્રેસ સેક્રેટરી તરીકે કામ કરશે. 41 વર્ષીય સેકી બરાક ઓબામા વટીવટીતંત્રમાં વ્હાઇટ હાઉસ કમ્યુનિકેન્સ ડિરેક્ટર સહિતના સિનિયર હોદ્દા પર રહી ચુક્યા છે.
ટીમમાં બીજા છ મહિલાના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. બાઇડનના ડેપ્યુટી કેમ્પેઇન મેનેજર રહી ચુકેલા કેટ બેડિંગફિલ્ડને વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એશલી એટિનીને કમલા હેરિસના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર તથા સીમોન સેન્ડર્સને હેરિસના સિનિયર એડવાઇઝર્સ અને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. પિલી ટોબરની ડેપ્યુટી વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે અને કેરિન પીયરની પ્રિન્સિપાલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે. નવા ફર્સ્ટ લેડી જિલ બાઇડનના કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે એલિઝાબેથ એલેઝાન્ડરની નિમણુક કરવામાં આવી છે.