અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારોને આકર્ષવા માટે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ લગાનના લોકપ્રિય ગીત ચલે ચલો પરથી મ્યુઝિકલ વિડિયો રિમિક્સ બનાવવામાં આવ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ આ વિડિયો રિલીઝ કર્યો છે અને તેને ઘણા સાઉથ એશિયન ઓર્ગેનાઇઝેશન સપોર્ટ કરી રહ્યા છે, જેમાં સાઉથ એશિયન ફોર બિડેન, ઇમ્પેક્ટ ફંડ, ઇન્ડિયન ફોર બિડેન નેશનલ લીડરશીપ કાઉન્સિલનો સમાવેશ થાય છે.
ત્રણ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટના ઉમેદવાર જો બિડેન અને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન કમલા હેરિસ હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સને ટક્કર આપી રહ્યા છે. સિલિકોન વેલી સ્થિત બોલિવૂડ ગાયક તિતલી બેનર્જીએ આ બોલિવૂડ રિમિક્સને સ્વરબદ્ધ કર્યું છે. ચલે ચલો, ચલે ચલો, બિડેન કો વોટ દો, બિડેન કી જીત હો, ઉન્કી હાર હો રિમિક્સ મારફત ઇન્ડિયન અમેરિકનોમાં બિડેનની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. ઉદ્યોગસાહસિક કપલ અજય અને વિનિતા ભૂટોરિયાએ આ રિમિક્સ રિલીઝ કર્યું છે.
વિવિધ સોસિયલ મીડિયા પ્લેટફોર્મમાં ગુરુવારે વિડિયો જારી કર્યા બાદ ભુટોરિયાએ જણાવ્યું હતું કે આ શૌર્યગીત છે અને તે નવેમ્બરની ચૂંટણીમાં બિડેન-હેરિસની તરફેણમાં મતદાન કરવા આપણા સમાજને પ્રોત્સાહિત કરે છે બિડેન અને હેરિસના સપોર્ટ માટે તમામ સાઉથ એશિયન અને ઇન્ડિયન અમેરિકનને એકજૂથ કરતો વિડિયો અગાઉ પણ ભૂટોરિયા દંપત્તિએ તૈયાર કર્યો હતો. જમૈકન પિતા અને ભારતીય માતાની પુત્રી હેરિસ એવી પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે કે જેને અમેરિકાના મુખ્ય રાજકીય પાર્ટીએ ટોચના હોદ્દા માટે ઉમેદવાર બનાવી છે.
સાઉથ એશિયન્સ ફોર બિડેનના નેશનલ ડિરેક્ટર નેહા દિવાને જણાવ્યું હતું કે પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીનું ઇન્ડિયન અમેરિકન સમુદાય માટે વિશેષ મહત્ત્વ છે અને આપણી ડાઇવર્સ કોમ્યુનિટીમાં બિડેન-હેરિસને સમર્થન કરે છે. આપણે આપણા મતદાનની તાકાતનું પ્રદર્શન કરીએ તે જરૂરી છે. સાઉથ એશિયન કોમ્યુનિટી આ નવેમ્બરમાં વિજય માટેનું મહત્ત્વનું માર્જિન બની શકે છે. તિતલી બેનરજીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં સંગીત મારફત તમામ લોકોને યોગ્ય સંદેશ પહોંચાડવાની ભારતની જૂની પરંપરા છે. ભારતની આ પરંપરાગનું પુનઃનિર્માણ કરવામાં મારા અવાજથી હું યોગદાન આપી શકી તેનો મને આનંદ છે.
નેશનલ AAPI લીડરશિપ કાઉન્સિલમાં સભ્ય તરીકે કાર્ય કરતાં ભુટોરિયાએ જણાવ્યું હતું કે બિડેનની આશા અને પરિવર્તન માટેની વિઝનમાંથી પ્રેરણા લઈને આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે અને તે અમેરિકન કોમ્યુનિટીની વિવિધતાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે વય, સ્થળ અને પ્રોફેશનના સંદર્ભમાં અલગ છીએ, પરંતુ આપણા એકસમાન મૂલ્યનું પ્રતિનિધિત્વ કરતાં ઉમેદવાર માટે એકજૂથ છીએ.
અમેરિકામાં આશરે ચાર મિલિયન ઇન્ડિયન અમેરિકન હોવાનો અંદાજ છે, જેમાંથી આશરે 2.5 મિલિયન લોકો નવેમ્બર 2020ની ચૂંટણીમાં મતદાન કરે તેવી શક્યતા છે. ટેક્સાસ, મિશિગન, ફ્લોરિડા અને પેનસિલ્વેનિયા સહિતના મહત્ત્વના રાજ્યોમાં આશરે છ મિલિયન સાઉથ એશિયન મતદાતા અને 1.3 મિલિયન ઇન્ડિયન અમેરિકન મતદાતા છે. ભુટોરિયાએ દાવો કર્યો હતો કે આશરે 80 ટકા સાઉથ એશિયન્સ બિડેન-હેરિસને સપોર્ટ કરે છે.