અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ચાર રાજ્યોમાં તેમની પ્રેસિડેન્શિયલ પ્રાયમરીમાં સરળતાથી વિજય મેળવ્યો હતો. પાંચ નવેમ્બરે યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં આ બંને નેતાઓ વચ્ચે ફરી જંગ નિર્ધારિત છે. મંગળવારે રોડ આઇલેન્ડ, કનેક્ટિકટ, ન્યૂ યોર્ક અને વિસ્કોન્સિન રાજયોમાં ઉમેદવાર બનવા માટે આ ચૂંટણી યોજાઈ હતી.
ચાર રાજ્યોમાં પ્રેસિડેન્શિયલ પ્રાયમરીના મતપત્ર પર બહુવિધ ઉમેદવારો મેદાનમાં હતાં. જોકે 77 વર્ષના ટ્રમ્પ અને 81 વર્ષના બાઇડને કોઈ પણ મોટા પડકારનો સામનો કરવો પડ્યો ન હતો. તમામ ચાર રાજ્યોમાં જ્યાં મંગળવારે પ્રાઇમરી યોજાઈ હતી ત્યાં ટ્રમ્પને 75 ટકાથી વધુ મત મળ્યા હતાં, જ્યારે ડેમોક્રેટ બાઇડનને 80 ટકાથી વધુ મત મળ્યા હતાં.
ચાર રાજ્યોમાં વિજય સાથે ટ્રમ્પ સમર્થક ડેલિગેટ્સની સંખ્યા વધી 1,860 થઈ છે, જ્યારે બાઇડન સમર્થક ડેલિગેટ્સની સંખ્યા વધી 3,030 થઈ છે. પોતા-પોતાના પક્ષમાંથી પ્રેસિડન્ટના ઉમેદવાર બનવા માટે ઓછામાં ઓછા 1,968 ડેલિગેટ્સના સમર્થનની જરૂર પડે છે. બાઇન અને ટ્રમ્પે બંનેએ અગાઉથી જ તેમના સંબંધિત પક્ષમાંથી નોમિનેશન મેળવવા માટે પૂરતા ડેલિગેટ્સનું સમર્થન મેળવ્યું છે.
જુલાઈમાં મિલવૌકી યોજાનારા રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શન અને ઓગસ્ટમાં શિકાગોમાં યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં તેમના નોમિનેશનને બહાલી આપવામાં આવશે.
ચૂંટણી માટે ભંડોળ એકત્રીકરણમાં બાઇડન અને તેમની ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ટ્રમ્પ અને તેમની પાર્ટી રિપબ્લિકનને પાછળ છોડી દીધા છે. દરમિયાન સીએનએનના રીપોર્ટ મુજબ મતદાન અંગે બાઇડનની પાર્ટીની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે ટ્રમ્પને અશ્વેત અને હિસ્પેનિક મતદારોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે.