વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની લોકપ્રિયતા ઘરઆંગણે તળિયે બેઠી છે. મે મહિનામાં તેમનું એપ્રુવલ રેટિંગ તેમના પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળમાં સૌથી નીચું રહ્યું છે. અમેરિકાના માત્ર 39 ટકા પુખ્ત લોકોએ તેમના કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે.તેમના પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોમાં પણ નિરાશાનું વાતાવારણ ઘેરું બની રહ્યું છે.
એસોસિયેટેડ પ્રેસ- NORC સેન્ટર ફોર પબ્લિક રિસર્ચના પોલ મુજબ 10માંથી માત્ર બે વ્યક્તિએ જણાવ્યું હતું કે અમેરિકા યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહ્યું છે અથવા ઇકોનોમી સારી સ્થિતિમાં છે. અગાઉ આવું માનનારની સંખ્યા 10માંથી 3 હતી. નવાઈ વાત એ છે કે ડેમોક્રેટ્સ સભ્યોમાં પણ પ્રેસિડન્ટના દેખાવથી સંતોષ નથી. માત્ર 33 ટકા ડેમોક્રેટ્સે જણાવ્યું છે કે દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. એપ્રિલમાં આ પ્રમાણ 49 ટકા હતું. રશિયા સાથેના સંબંધોના મુદ્દે 45 ટકા લોકોને બાઇડનની કામગીરી સંતોષ છે, જ્યારે 54 ટકાને અસંતોષ છે.
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા બાઇડન માટે ચિંતાનું મુખ્ય કારણ એ છે કે ડેમોક્રેટ્સમાં તેમનું એપ્રુવલ રેટિંગ 73 ટકા છે, જે પ્રેસિડન્ટ બન્યા તે પછીથી મોટો ઘટાડો દર્શાવે છે. 2021માં કરાયેલા AP-NORC પોલ્સ ડેમોક્રેટ્સમાં બાઇડનનું એપ્રુવલ રેટિંગ ક્યારેય 82 ટકાથી નીચું ગયું ન હતું.
પોલના આ તારણો અમેરિકામાં ઉદાસીનતાના મહોલનો સંકેત આપે છે. અમેરિકા હાલમાં ફુગાવો, ગન હિંસા, બેબી ફૂડની આકસ્મિક અછત અને મહામારી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
સાન્ટા મોનિકા, કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સભ્ય અને હાઇસ્કૂલ કાઉન્સેલર મિલાન રામસેએ જણાવ્યું હતું કે “સ્થિતિ કેટલી ખરાબ થશે તે હું જાણતો નથી.” મિલાન પોતાના નવજાત શિશુના ઉછેર માટે પતિ સાથે પોતાના માતાપિતાના ઘેર શિફ્ટ થવું પડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બાઇડને કોઇ વચનો પૂરા કર્યા નથી. મને લાગે છે કે તેઓ થાકી ગયા છે અને હું તેમને દોષ આપતી નથી. હું પણ તેમની ઉંમરે આવી કારકિર્દીમાં થાકી જઈશ.
રિપબ્લિકશન સભ્યો પણ બાઇડનથી ખુશ નથી. 10માંથી માત્ર એક રિપબ્લિકન અર્થતંત્રના મુદ્દે બાઇડનની કામગીરીને એપ્રુવ કરે છે. અર્થતંત્રના મુદ્દે બાઇડન પ્રત્યે અસંતોષ ઘેરો બની રહ્યો છે. માત્ર 18 ટકા અમેરિકોનો કહે છે કે બાઇડનની નીતિઓથી અર્થતંત્રને નુકસાન કરતાં ફાયદો વધુ થયો છે. આની સામે 51 ટકા લોકો માને છે કે બાઇડનની નીતિઓથી ઇકોનોમીને ફાયદા કરતા નુકસાન વધુ થયું છે.