અમેરિકા પ્રેસિડન્ટ જો બાઈડને સંસદમાં પોતાના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસની શરૂઆત જ યુક્રેન-રશિયા યુદ્ધથી કરી હતી અને ચીમકી આપી હતી કે રશિયાના પ્રેસિડન્ટે યુક્રેન પરના આક્રમણની ભારે કિંમત ચુકવવી પડશે. બાઈડને યુક્રેનની જનતાને પણ સંદેશો આપ્યો અને કહ્યું કે, રશિયાએ 6 દિવસ પહેલા ખૂબ ખરાબ પગલું ભર્યું હતું.
અમેરિકામાં ઘણાં લાંબા સમયથી આ પરંપરા ચાલે છે, જેમાં પ્રેસિડન્ટ દેશવાસીઓને દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના વિઝનની માહિતી આપે છે. અમેરિકી પ્રેસિડન્ટ બન્યા બાદ બાઈડનનું પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ હતું. ભાષણ પહેલા અમેરિકી સાંસદોને યુક્રેનનો ઝંડો આપવામાં આવ્યો હતો.
પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામે ‘પૂર્વ નિયોજિત અને અકારણ’ યુદ્ધ છેડવાનો આક્ષેપ લગાવતા બાઈડને કહ્યું કે, અમેરિકા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.’આપણા સમગ્ર ઈતિહાસમાંથી આપણે એ પાઠ ભણ્યા છીએ કે, જ્યારે તાનાશાહ પોતાની આક્રમકતાની કિંમત નથી ચુકવતા ત્યારે તેઓ વધુ અરાજકતા પેદા કરે છે. તેઓ આગળ વધતા રહે છે. તથા અમેરિકા અને વિશ્વ માટે જોખમ વધતું રહે છે અને તેમણે વધુ કિંમત ચુકવવી પડે છે.’
તેમણે પુતિન પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, ‘આ કારણે જ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં શાંતિ અને સ્થિરતાને સુરક્ષિત કરવા માટે નાટો ગઠબંધન કરવામાં આવ્યું હતું.
બાઈડને કહ્યું કે, ‘પુતિનનું યુદ્ધ પૂર્વનિયોજિત અને અકારણ હતું. તેમણે કૂટનીતિના પ્રયત્નોને નકારી દીધા. તેમણે વિચાર્યું કે, પશ્ચિમ અને નાટો જવાબ નહીં આપે. અને તેમણે વિચાર્યું કે, તેઓ આપણને અહીં ઘરે વિભાજિત કરી શકે છે. પુતિન ખોટા હતા. આપણે તૈયાર હતા. તેમણે કહ્યું કે, ‘અમેરિકા યુક્રેન સાથે ઉભું છે. અમેરિકા અને આપણા સહયોગી સામુહિક શક્તિ સાથે નાટો ક્ષેત્રના દરેક ઈંચની રક્ષા કરીશું. યુક્રેનિયન સાહસ સાથે લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં લાભ થઈ શકે છે પરંતુ તેમણે ઘણાં લાંબા સમય સુધી આની કિંમત ચુકવવી પડશે.’