હાલ ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આવામાં અમેરિકના પ્રેસિડન્ટ જો બાઇડેન દ્વારા વેક્સિન બનાવવા માટે જરૂરી કાચામાલની નિકાસ પર રોક લગાવ્યા બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. બાઇડેનના આ નિર્ણયની વ્યાપક ટીકા થઇ હતી, પરંતુ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ અને અમેરિકાના એનએસએ સુલિવાનની વાતચીત બાદ અમેરિકાએ પોતાના પ્રતિબંધથી પીછેહટ કરી છે અને તમામ પ્રકારના સહયોગની વાત કરી છે. હવે અમેરિકાના પ્રેસિડન્ટ તરફથી મોટું નિવેદન આવ્યું છે, જેમાં તેમણે ભારતને મદદ આપવાને લઇને પ્રતિબદ્ધતા બતાવી છે.
બાઇડને ટ્વિટ કરતાં કહ્યું હતું કે, મહામારીની શરૂઆતમાં જ્યારે અમારી હોસ્પિટલો પર ભારે દબાણ હતું, તે સમયે ભારતે અમેરિકા માટે જે પ્રકારની મદદ કરી હતી તેવી જ રીતે ભારતને મદદ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
જેક સુલિવાને કહ્યું હતું કે, અમેરિકા ભારતને દરેક શક્ય મદદ કરવા માટે ઊભું છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, અમેરિકા ભારતને વેક્સિન બનાવવા માટે જરૂરી કાચામાલની સપ્લાય કરશે. ફ્રન્ટ લાઇન વર્કસને બચાવવા માટે અમેરિકા તરફથી તરત રેપિડ ડાઈગોનેસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઇ કિટ ઉપલબ્ધ કરાશે.
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમેરિકી સરકાર, કોવિડ-૧૯ના પ્રકોપ સમયે ભારતને વધુ સપોર્ટ અને સપ્લાય કરવા માટે કામ કરી રહી છે. અમે ભારતના લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, ખાસ કરીને તેમના બહાદુર હેલ્થકેર વર્કર્સ માટે.