ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભૂવીએ 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેઈડન પણ કરી હતી. ભૂવનેશ્વર કુમારને પાવરપ્લેમાં, પહેલી જ ઓવરમાં તેની એકમાત્ર વિકેટ મળી હતી અને તે ટી-20 પ્રથમ છ ઓવર (પાવર પ્લે) માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.
ભૂવીના નામે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં પાવરપ્લેમાં 34 વિકેટ થઈ ગઈ છે. ભૂવીએ એકંદરે ટી-20માં 65 મેચમાં 65 વિકેટ ઝડપી છે અને તેનો શ્રેષ્ઠ દેખાવ 24 રનમાં પાંચ વિકેટનો છે. ટી-20માં પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના ક્રમના બાકીના ચાર બોલર્સ આ મુજબ છેઃ
33 વિકેટ – સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), 33 વિકેટ – ટીમ સાઉથી (ન્યૂઝીલેન્ડ), 27 વિકેટ – શાકિબ અલ હસન (બંગલાદેશ) અને 27 વિકેટ – જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા).