ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 37 વર્ષના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટોક આવતા તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. સોમવારે અનુજ પટેલને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યાં હતાં. પુત્ર એકાએક બિમાર પડતા મુખ્યપ્રધાન ગુજરાત દિનના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.
અનુજને તાત્કાલિક સારવાર માટે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ટીમે બે કલાકની સર્જરી કરી હતી. કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પાર્થ દેસાઈએ પુષ્ટિ કરી હતી કે અનુજ પટેલની તબિયત સ્થિર છે. મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલના વરિષ્ઠ ન્યુરોસર્જન ડૉ. બી.કે. મિશ્રાને પણ પરામર્શ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની વધુ સર્જરી કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં મુખ્યપ્રધાન તેમના પુત્રની સાથે છે. અનુજ ‘અંશ કન્સ્ટ્રક્શન’ નામની કન્સ્ટ્રક્શન ફર્મ ચલાવે છે. તે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે.