ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 12 એપ્રિલે ગાંધીનગરમાં યુકેના સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) (વેપાર અને રોકાણ)નો ભાગ છે. APPG 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી વેપાર અને રોકાણ મિશન પર ભારતની મુલાકાતે છે. આ સભ્યો અમદાવાદ ઉપરાંત દિલ્હી, પુણે અને મુંબઈની મુલાકાત લેવાના છે.
યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે સહયોગ કરનાર ગિફ્ટ સિટીમાં આવેલી બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્ર પટેલે યુકેની શ્રેષ્ઠ વૈશ્વિક યુનિવર્સિટીઓને ગુજરાતમાં કેમ્પસ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રતિનિધિમંડળે સોલાર રૂફટોપ, વેસ્ટ ટુ એરન્જી અને સ્ટીલપ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો હતો.
પ્રતિનિધિમંડળમાંથી લેબર અને કન્ઝર્વેટિવ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના આઠ સભ્યો હતા.ગુજરાતની મુલાકાતે આવેલા સાંસદોમાં બોબ બ્લેકમેન, કરણ બિલિમોરિયા, માર્ટીન ડે, નિયા ગ્રિફિથ, રાજિન્દર પોલ લૂમ્બા, એન્ડ્રુ રોસિન્ડેલ, સંદિપ વર્મા, કુલદિપ સિંહ સહોતા અને જોન ડેસમંડ ફોર્બ્સ એન્ડરસનનો સમાવેશ થતો હતો..
આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી હતી કે ગુજરાત પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રોકાણકારલક્ષી અભિગમ તેમજ મજબૂત ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત રોકાણનું પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે કહ્યું હતું કે, વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી. મુખ્યમંત્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં 15 ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપી હતી.
ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC,વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો.