ગુજરાતમાં ભાજપની સ્થિતિ મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને નીતિઓને કારણે રાજ્યમાં વિપક્ષ માટેનો અવકાશ ઘટ્યો છે અને આ મર્યાદિત અવકાશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટી લઈ શકે છે.
ગુજરાતની નાણાકીય સ્થિત મજબૂત હોવાનો ઉલ્લેખ કરતાં પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું ફ્રીબી કલ્ચર લાંબા ગાળે રાજ્ય અને સમાજના હિતમાં નથી. પત્રકારોના પસંદગીના ગ્રૂપ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં છે અને લોકો સાથે સતત સંપર્ક બનાવી રાખે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP) હોય કે બીજી કોઈ પાર્ટી હોય તો પણ જીત તો ભાજપની જ થશે. તેમણે તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના શું હાલ થયા હતા.
તાજેતરમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય બની છે ત્યારે મુખ્યપ્રધાને આ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, “પાર્ટી કોઈ પણ હોય, આપ હોય કે બીજી કોઈ, ચૂંટણી લડી શકે છે. આ આપણી લોકશાહીનો એક ભાગ છે. જ્યારે વાત ભાજપની આવે છે ત્યારે અમે ચૂંટણી માટે કામ કરતા નથી. ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં આપ વિશે ઘણું બધું કહેવાતું હતું, પરંતુ અમે સપાટો બોલાવી દીધો અને ભાજપે 44માંથી 41 વોર્ડ પર કબજો કર્યો હતો.”
મુખ્યપ્રધાને કહ્યું હતું કે હાલ ચૂંટણી વિશે કશું કહેવું વહેલું છે. ભારતમાં વાઈબ્રન્ટ લોકશાહી છે અને ગુજરાતમાં લોકો વિરોધ પક્ષને માત્ર થોડી જ બેઠકો આપે છે, હવે તે કોંગ્રેસને મળે છે કે ભાજપને તે જોવાનું રહેશે. તેમણે કહ્યું કે, ભાજપના દરેક કાર્યકર્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લે છે. અમે તેમના કામને આગળ લઈ જઈએ છીએ.
અગાઉ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી, આ પછી ઘણાં ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. આ ધારાસભ્યોને ટિકિટ મળશે કે નહીં તેને લઈને પણ અનેક અટકળો લદાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં 182માંથી ભાજપ પાસે 111 બેઠકો છે