ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શનિવારે રાજીનામા પછી રવિવારે ભાજપના વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ગાંઘીનગરમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી વિધાયક દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલના નામની નીતિન પટેલે દરખાસ્ત કરી હતી અને તેમના નામ પર સર્વસંમતી સધાઈ હતી. ભુપેન્દ્ર રજનીકાંત પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ આનંદીબેન પટેલની નજીકના વ્યક્તિ ગણાય છે. તેઓ ઓડાના ચેરમેન હતા.
વિજય રૂપાણીના રાજીનામા બાદ ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પક્ષની ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાઇ હતી. તમામ ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. નવા મુખ્યપ્રધાન નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક તરીકે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી મોકલવામાં આવ્યાં હતા. ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યાં હતા.
અગાઉ નવા મુખ્યપ્રધાન કોણ બનશે તેવી ચર્ચાને વેગ મળ્યો હતો. ગુજરાત ભાજપનાં ચાર નેતાઓનાં નામ પર જોરશોરથી ચર્ચાઓ ચાલતી હતી. આ ચાર નેતાઓમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, પશુપાલન અને ડેરી પ્રધાન પરસોત્તમ રૂપાલા અને ગુજરાતના બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલનો સમાવેશ થતો હતો. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ખાસિયત મુજબ નવા જ નામની પસંદગી કરીને તમામ અટકળોને ખોટી પાડી હતી.