ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 12 જુલાઈએ છોટાઉદેપુરના વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. નુકસાનનો તાલ મેળવવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર બોડેલી પહોંચ્યા હતા. તેમણે વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાતચીત કરીને માહિતી મેળવી હતી અને રાહતકાર્ય અંગેની સૂચનાઓ આપી હતી.
ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદને લીધે થયેલા નુક્સાનની વિગતો જાણી હતી. છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં 22 ઈંચ વરસાદ પડ્યો હતો અને નદી-નાળાઓ છલકાવા લાગ્યા હતા. મોટાભાગના રસ્તાઓ ટાપુઓ બની ગયા હતા. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે બોડેલી-વડોદરા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.