વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ણયોમાં સરપ્રાઇઝ આપવાની પરંપરા જાળવી રાખીને અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનાવ્યા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે.
59 વર્ષીય ભુપેન્દ્ર પટેલ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.
તેઓ વહીવટનો અનુભવ ધરાવે છે અને વર્ષોથી ભાજપના કાર્યકર છે. ભુપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યક્તિ છે.
અમદાવાદની સરકારી પોલિટેકનિકલમાંથી તેઓ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. તેમણે 2017ની ચૂંટણીના સોગંદનામાં રૂા.5 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.
તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના ચેરમેન હતા.
સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા ભુપેન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકાર નજરઅંદાજ કરવામાં આવ્યા હતા અને કેબિનેટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો. જોકે, ટિકિટની ફાળવણી મુદ્દે પણ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે વિવાદ થયો હતો. અમિત શાહ તેમના ખાસ પટેલને ટિકિટને ટિકિટ આપવા માંગતા હતા પણ આનંદીબહેને પોતાની ઘાટલોડિયા બેઠક પરથી પોતાના જ અંગત એવા ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપવા દબાણ કર્યું હતું. આનંદીબહેને ચૂંટણી પહેલા જ પોતે ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી નાખી હતી.