ભૂજથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવશે. રેલવે વિભાગના ખાસ આદેશથી ૨૨મી સપ્ટેમ્બરથી કચ્છ અને મુંબઇ વચ્ચે દરરોજ ટ્રેન દોડાવશે. ભુજથી મુંબઇના દાદર વચ્ચે સયાજીનગરી એક્સપ્રેસ ૨૨મીથી શરૂ થશે, જયારે મુંબઈ દાદર થી સયાજીનગરી ૨૩મીથી શરૂ થશે. પશ્ર્ચિમ રેલવે દ્વારા શનિવારે, 19 સપ્ટેમ્બરે કરાયેલી જાહેરાત પ્રમાણે આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, અમદાવાદ, ધાંગધ્રા અને ગાંધીધામ સ્ટોપ કરશે.
કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા પાંચ મહિનાથી ટ્રેન વ્યવહાર બંધ હોવાથી લોકોએ ફ્લાઇટ અને ખાનગી ટ્રાવેલ્સનું સહારો લીધો હતો. ટ્રેન બંધ હોવાથી સામાન્ય લોકોને મોંઘા ભાડા ચૂકવીને મુસાફરી કરવાનો વખત આવ્યો હતો. ટ્રેન શરૂ થતા મુંબઈના કચ્છીઓ તેમજ કચ્છમાં વસતા મુંબઈગરાઓમાં આનંદ ફેલાયો છે.