વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન દ્વારા જન્માષ્ટમી પર્વ પ્રસંગે હરે કૃષ્ણ મંદિર વોટફોર્ડ અને સનાતન મંદિર વેમ્બલીની એક કોચ ટ્રીપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 9 વાગ્યે વીએચપી સેન્ટરથી 53 સભ્યોને લઇને આરામદાયક કોચ હરે કૃષ્ણ મંદિર વોટફોર્ડ રવાના થયો હતો. જ્યાં લાંબુ ચાલી નહિં શકતા વડિલો માટે બગીની વ્યવસ્થા કરાઇ હતી અને સૌએ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાભ લીધો હતો અને સૌના તંદુરસ્ત દિર્ઘાયું માટે પ્રાર્થના કરાઇ હતી. મંદિરના દર્શન પછી સૌએ પ્રસાદનો લાભ લીઘો હતો, તો VHP તરફથી મંદિરમાં યથાયોગ્ય દાન કરવામાં આવ્યું હતું. થોડા આરામ અને ખાસ બનાવાયેલ પ્રદર્શન વગેરે જોયા બાદ કોચમાં સૌ સનાતન મંદિર વેમ્બલી આવ્યા હતા અને ભગવાનના દર્શન તથા ઈલિંગ રોડ પર શોપીંગ કર્યું હતું.
યાત્રાનું સુંદર આયોજન નવ નિયુક્ત કમીટી તરફથી કરવામાં આવ્યું હતું અને સમગ્ર કોચ ટૂરની જવાબદારી સંસ્થાના કમીટી મેમ્બર અને ઇવેન્ટ કો-ઓર્ડીનેટર તરીકે શ્રી કિરીટભાઇ પટેલે ઉપાડી લીધી હતી. તો ટ્રેઝરર મુકેશભાઇ અને પ્રવિણભાઇએ સાથ આપ્યો હતો. કોચ ટૂરનો સૌએ મન મૂકીને આનંદ માણ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.