નોર્થ વેસ્ટ લંડન સ્થિત સ્ટેનમોર ખાતે આવેલા ધર્મભક્તિ મેનોર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવનાર મંદિરના સ્થાપક ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી ભીમજીભાઇ માવજીભાઇ ભૂડીયાનું તા. 13 જાન્યુઆરી 2021ના રોજ તેમના ઘરે નિધન થતા યુકે, કેન્યા, ઓસ્ટ્રેલિયા ખાતે વસતા કચ્છી સમુદાયમાં દુ:ખની લાગણી ફેલાઇ ગઇ હતી.
મૂળ કચ્છના ફોટડી ગામના વતની અને થોડાક વર્ષો કેન્યામાં વસવાટ કર્યા બાદ બ્રિટન આવેલા સ્વ. ભીમજીભાઇ પોતાની પાછળ ત્રણ પુત્રો, સગાંસંબંધી તથા મિત્રોને વિલાપ કરતાં મૂકીને અક્ષરધામને સિધાવ્યા છે. તેઓ નર નારાયણ દેવના ચુસ્ત અનુયાયી હતા અને સંપ્રદાયના પૂ. શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજના આશિર્વાદ સાથે તેમણે નર નારાયણ દેવ ગાદી – સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ પ્રવૃત્તી માટે ખૂબ જ યોગદાન આપ્યું હતું અને તેના શ્રેષ્ઠ હિતમાં ખૂબ જ જુસ્સાથી સત્સંગની સેવા કરતા. તેમણે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને યુકેમાં સત્સંગના પ્રસાર પ્રચાર માટે ખૂબ જ સેવા કરી હતી. તેઓ ખુબ સારૂ કિર્તન અને આરાધના કરાવતા હતા.
હંમેશા હસતા મોઢે પોતાને મળેલી અમાપ શક્તિથી સેવા કરતા ભીમજીભાઇ મહાન સ્વપ્નદ્રષ્ટા હતા અને તેમણે મંદિર પરિસરમાં જ નવી પ્રાથમિક શાળા બનાવવાનું સ્વપ્ન જોયું હતું અને તેને માટેના બિલ્ડીંગની પ્લાનિંગ પરમિશનની પ્રક્રિયા અમલમાં મૂકી હતી. તેઓ મંદિરના પ્રાંગણમાં જ સમાજના વડિલો માટે ડે સેન્ટરની રચના કરવાનું સ્વપ્ન સેવતા હતા અને તે માટે કોવિડ રોગચાળાની વિદાય થાય તે પછી શુભારંભ માટેનો સમય નક્કી કર્યો હતો.
તેમણે મંદિરમાં આવતા સૌ કોઇને શુધ્ધ શાકાહારી ભોજન મળી રહે તે માટે ટેક-અવે રેસ્ટોરંટનો પણ વિકાસ કરવા માંગતા હતા. ભીમજીભાઇએ મંદિરના અન્ય કાર્યકરો અને અગ્રણીઓના સાથ સહકારથી કોવિડ રોગચાળા દરમિયાન ઘરે સુરક્ષા હેઠળ રખાયેલા વૃધ્ધો, બીમાર લોકો અને આઇસોલેશન ભોગવતા લોકોને કુલ દોઢ લાખ ટિફીનની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત નોર્થવિક પાર્ક હોસ્પિટલ અને વોટફર્ડ હોસ્પિટલને તેમણે સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર તરફથી કુલ £80,000ની સહાય કરાવી હતી.
ભીમજીભાઇને બ્રિટનના વિવિધ મંદિરના અગ્રણીઓ તેમજ કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વ. ભીમજીભાઇના આત્માની શાંતિ અર્થે બેસવાનુ અને પ્રાર્થનાનું ઑનલાઇન આયોજન શનિવાર તા. 16 જાન્યુઆરીથી મંદિરની વેબસાઇટ પર કરાયું છે. જેનો સમય – યુકે ટાઇમ મુજબ (GMT) શનિ અને રવિ દરમિયાન બપોરે 3:30 થી 4:30 અને સોમથી શુક્ર દરમિયાન સાંજે 7:30 થી 8:30નો છે.