વર્ષ 2020માં લાગુ કરવામાં આવેલા કોરોના વાઇરસ સંબંધિત લોકડાઉનને ત્રણથી વધુ વર્ષ થયા છે. ‘મુલ્ક’, ‘થપ્પડ’, ‘આર્ટિકલ 15‘ જેવી ફિલ્મોના નિર્માતા અનુભવ સિંહાએ તેમની નવી ફિલ્મ ‘ભીડ’માં કોરોનાના સમયગાળા દરમિયાન પરપ્રાંતીય મજૂરોની દુર્દશા અને લાચારીનું વર્ણન કર્યું છે. ભીડમાં પોતાના ઘરે પાછા જતાં મજૂરોની પીડાને બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાડી છે. ‘ભીડ’ની વાર્તા લોકડાઉનની ઘટનાઓ પર આધારિત છે.
ડાયરેક્ટર અનુભવ સિંહાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ભીડ’ ફિલ્મની વાર્તા લોકડાઉનની ઘટનાઓ પર આધારિત છે, વાર્તા એક સત્ય ઘટનાથી શરૂ થાય છે જ્યાં 16 મજૂરો ટ્રેન નીચે કચડાઈ ગયા હતા, તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે ટ્રેન બંધ થઈ ગઈ છે અને તેઓ પાટા પર સૂઈ ગયા. લોકડાઉન દરમિયાન બલરામ દ્વિવેદી (પંકજ કપૂર) જે વ્યવસાયે ચોકીદાર છે, જે અન્ય હજારો લોકોની જેમ પોતાના પરિવારને ગામ પાછા પહોંચાડવા માગે છે, તો બીજી તરફ ઉચ્ચ સમાજની દિયા મિર્ઝા છે, જે ગાડીમાં દીકરીને લેવા માટે નીકળી છે.
પોલીસ વિભાગની એક ટીમ છે, જે પરપ્રાંતીય મજૂરો અને સીસ્ટમ વચ્ચે ફસાઈ છે, જેમાં સૂર્યકુમાર ઉર્ફે ટીકસ (રાજકુમાર રાવ)ને તેના બોસ યાદવ (આશુતોષ રાણા) દ્વારા સંવેદનશીલ અને ગીચ ચેકપોસ્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે. પણ અહીં સૂર્યને તેની જાતિના કારણે ખરાબ અનુભવવામાં આવે છે. એક ચેનલ રિપોર્ટર વિધિ પ્રભાકર (કૃતિકા કામરા) કેમેરા પર્સન સાથે ત્યાંની પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કરે છે. આ વાર્તામાં એક છોકરીનો ટ્રેક પણ છે જે તેના પિતાને સાયકલ પર માઇલો સુધી લઈ જતી હતી, જેણે કોરોનાના સમયગાળા દરમિયાન લોકોની આંખો ભીની કરી હતી. આ બધી લાચાર વાર્તાઓ વચ્ચે દલિત સૂર્ય અને ઉચ્ચ જાતિના મેડિકલ સ્ટુડન્ટ રેણુ શર્મા (ભૂમિ પેડણેકર)ની પ્રેમકથા પણ છે, જે જાતિની અસમાનતાઓમાંથી પોતાનો માર્ગ શોધવાની હિંમત કરે છે.
આ ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ દર્શાવી છે કે જેઓ કોરોનામાં સમસ્યાનો ભોગ બન્યા હતા, પરંતુ તેમનું ધ્યાન પરપ્રાંતીય મજૂરો અને સામાજિક તેમ જ જાતિના ભેદભાવ પર રહે છે. કાસ્ટ અને ક્લાસના તફાવતની સાથે સાથે તંત્રની મજબૂરીઓને પણ તેમના પાત્રો દ્વારા રજૂ કરાઈ છે. જોકે, ઘણાંને લાગે છે કે ફિલ્મમાં લોકડાઉનની અન્ય ઘટનાઓને પણ આવરી લીધી હોત તો સારું હોત.
જો અભિનયની વાત કરીએ તો ફિલ્મ દરેક રીતે ઉત્તમ છે. સૂર્યકુમારની ભૂમિકા રૂપમાં રાજકુમાર રાવ મજબૂત છે. પંકજ કપૂરે પોતાની ભૂમિકા અદભૂત રીતે ભજવી છે. પોલીસ અધિકારી તરીકે આશુતોષ રાણા તેમની ડાયલોગ ડિલિવરી સાથે ખૂબ જ સારા છે. ભૂમિ પેડણેકરે તેની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે નિભાવી છે, જ્યારે દિયા મિર્ઝાનું પાત્ર યાદગાર બની ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવ પણ સારો દેખાઈ રહ્યો છે. કૃતિકા કામરાન એક રીપોર્ટર તરીકે સારું કરે છે. જે લોકો રિયાલિસ્ટિક ફિલ્મોના શોખીન છે અને કોરોનાના લોકડાઉનના સમયગાળાની ઘટનાઓને ફિલ્મી પડદે જોવા માગે છે તેઓ આ ‘ભીડ’ જોઈ શકે છે.