મંગેતર ભાવિની પ્રવિણે લગ્ન કરવાની ના પાડી દેતા તેની છરીના વાર ઝીંકી હત્યા કરનાર જીગુ સોરઠીને લેસ્ટર ક્રાઉન કોર્ટે તા. 16 સપ્ટેમ્બરના રોજ આજીવન કેદની સજા કરી હતી. જીગુએ ઓછામાં ઓછા 28 વર્ષ જેલમાં વિતાવવા પડશે. હત્યા બદલ કોઈ જ પસ્તાવો નહિ ધરાવતા જીગુને ‘અફસોસ’ હતો કે ભારતમાં થયેલા તેમના સિવિલ મેરેજ બાદ તેને યુકે લાવીને ભાવિનીએ હિન્દુ વિધી મુજબ લગ્ન કરવાનો અસ્વિકાર કરી તેની અને તેના પરિવારની ઇજ્જતના લીરે લીરા ઉડાવી દીધા હતા.
સોરઠીને ગત તા. 11ને શુક્રવારે લેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરીએ સર્વસંમતિથી ભાવિની પ્રવિણની હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. 2 માર્ચના રોજ લેસ્ટરના બેલગ્રેવના મૂર રોડ સ્થિત ઘરની લાઉન્જમાં જીગુએ છરીના ચાર વાર કરતા ભાવિનીનું તેની માતાના હાથમાં મૃત્યુ થયું હતું.
જજ ટીમોથી સ્પેન્સર, ક્યુસીએ સજા કરતા કહ્યું હતું કે “આ એક ભયાનક, ક્રૂર અને નિર્દય હત્યા હતી. તમે માત્ર 21 વર્ષની ઉંમરની એક સુંદર અને પ્રતિભાશાળી યુવતીનું જીવન લઇ લીધું છે. તેના માતાપિતાનું એક સ્વપ્ન હતું, જે તમે પણ એકવાર શેર કર્યું હતું કે તેમની પુત્રીને ધામધૂમપૂર્વક ભારતમાં હિન્દુ વિઘી મુજબ પરણાવવી. પરંતુ હવે તેમણે તેની રાખ ગંગામાં વિસર્જન કરવા લઇ જવી પડશે. તમે આ અંગે સમગ્ર ટ્રાયલ દરમ્યાન કોઈ દિલગીરી વ્યક્ત કરી નથી.”
ભાવિનીના પરિવારજનોએ જણાવ્યું હતું કે ‘’હત્યારા જીગુએ એક જ સારૂ કામ કર્યું હતું તે એ કે જાતે પોલીસમાં હાજર થઇ જવાનું.‘’
જીગુ બનાવના દિવસે બીયર પીને આયોજનપૂર્વક ખિસ્સામાં છરી લઈને ભાવિનીના ઘરે ગયો હતો. તે વખતે તેણે તકરાર થતા તેણે ભાવિની પર છરી વડે હુમલો કરી દીધો હતો. તેની માતા બીજા રૂમમાંથી મદદે આવી હતી અને તેમણે પુત્રીને બદલે પોતાનો જીવ લેવાની વિનંતી કરી હતી. પરંતુ જીગુએ ભાવિની પર છરીના ચાર ઘા કરી દીધા હતા. જેના કારણે તેની બચવાની કોઈ તક રહી નહોતી.
ભાવિની અને જીગુના લગ્ન કિશોર વયે થયેલા એરેન્જ મેરેજ હતા. 2017માં ભારતમાં તેમણે સિવિલ મેરેજ કર્યા હતા અને ઑગસ્ટ 2018માં તે મેરેજ વિઝા પર ઇંગ્લેન્ડ આવ્યો હતો. પરંતુ તેના 18 મહિનામાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ સારી જોડી નથી અને જુદા જુદા રહેતા દંપતી એકબીજાથી છૂટા થઈ ગયા હતા.
હત્યાના આગલા દિવસે, ભાવિનીના માતાપિતાએ ભારતમાં જીગુની માતાને હિન્દુ વિધિ મુજબના લગ્નને રદ કરવા જણાવ્યું હતું. જેને કારણે જીગુને લાગ્યું હતું કે તેના પરિવારની પ્રતિષ્ઠાને નુકશાન થશે. તેણે હત્યા બાદ પોતાની જાતને પોલીસ સમક્ષ સોંપી ત્યારે પણ તેણે દાવો કર્યો હતો કે તેની જિંદગી ભાવિની દ્વારા “બરબાદ” કરાઈ હતી.
જીગુ માનસિક વિકારથી પીડાતો હતો અને તેનો આઇક્યૂ 79 – બોર્ડરલાઇન જેટલો હતો. વળી તેને આ દેશનું વાતાવરણ પરાયું અને મુશ્કેલ લાગતું હતું. તે લાંબા કલાકો સુધી કામ કરતો હતો અને સામાન્ય રીતે શાંત અને આદરણીય યુવાન તરીકે જોવામાં આવતો હતો, જેણે કદી મુશ્કેલી ઉભી કરી ન હતી. ભારતમાં તેણે માત્ર 11 વર્ષે જ શાળા છોડી માછીમારીનું “સરળ જીવન” અપનાવી લીધું હતું.
તેની સામે ભાવિનીએ તેનાથી વિપરીત, કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું અને નર્સિંગ ક્ષેત્રે કારકીર્દિ બનાવવાની ઇચ્છા રાખતી હતી.