ટોકિયો પેરાલિમ્પિકમાં રવિવારે ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ટોકિયો પેરાઓલિમ્પિક્સમાં ભારત માટે આ પ્રથમ મેડલ હતો. આ સાથે તે પેરાલિમ્પિક ટેબલ ટેનિસના ઇતિહાસમાં ફાઈનલમાં પહોંચી મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે.
34 વર્ષીય ભાવિના પટેલનો મુકાબલો ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો ભાવિનાને સિલ્વર મળ્યો હતો. ભાવિનાએ સેમી ફાઈનવમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. આ પહેલા તે ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને 11-5, 11-6, 11-7થી હરાવીને સેમી ફાઈનલમા પહોંચી હતી.
ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.
ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 12 મહિનાની નાની ઉંમરે પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.