તમિલનાડુની સી. એ. ભવાની દેવી ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થનારી સૌપ્રથમ ભારતીય ફેન્સર બની છે. ભારતીય ટીમ સાઉથ કોરિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ ત્યારે જ ભવાની દેવી હંગેરીમાં વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી હતી.
ભવાની દેવીનું ક્વોલિફિકેશન એડજસ્ટેડ ઓફિસિયલ રેન્કિંગ (એઓએલ)ના આધારે કરવામાં આવ્યું છે. પાંચમી એપ્રિલ ૨૦૨૧ના રોજ જાહેર થનારા વર્લ્ડ રેન્કિંગ મુજબ એશિયા – ઓસનિયા રીજયનમાં બે સ્પોટ વ્યક્તિગત કેટેગરીમાં પડે છે. ભવાની દેવી ૪૫મું રેન્કિંગ ધરાવતી હોવાથી તેનો નંબર આ બેમાંથી એક સ્પોટમાં લાગશે. આ રેન્કિંગ ઉપર મુજબની તારીખે જાહેર કરવામાં આવશે ત્યારે ૨૭ વર્ષની ભવાની દેવીના સત્તાવાર ક્વોલિફિકેશનની જાહેરાત કરવામાં આવશે.
ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા બદલ કેન્દ્રીય રમતપ્રધાન કિરણ રિજિજુએ તેને અભિનંદન પાઠવ્યા હતા. આઠ વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂકેલી ભવાની દેવી રીયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ શકી નહોતી.