ધ ભવન, લંડન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું શાનદાર આયોજન ગુરુવાર તા. 9મી ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર અને ધ ભવનના પેટ્રન લોર્ડ ધોળકિયા, ઓબીઇ, પીસીએ ધ ભવનના ઇતિહાસ વિશે વાત કરી યુકેની પ્રથમ સંસ્થાઓમાંના એક ભવને આપણી સંસ્કૃતિને ઓળખ આપી હતી અને NRI સમુદાયે આ દેશ અને ભારત માટે આપેલી શક્તિ અને યોગદાનની પ્રશંસા કરી હતી.
એમ.પી. શ્રી વીરેન્દ્ર શર્માએ ભારતીય બંધારણ પર પ્રકાશ ફેંકી ભારતીય સંસ્કૃતિ અને ઉપદેશોની સુંદરતા અને આપણા પ્રાચીન પરમ્પરા વિષે પ્રકાશ ફેંક્યો હતો.
હેમરસ્મિથ અને ફુલ્હામના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ડેરીલ બ્રાઉને ધ ભવન સાથે હેમરસ્મિથ અને ફુલ્હામ બરોની સતત મિત્રતાનો આનંદ શેર કરી યુકેમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારના તેના અતુલ્ય કાર્યમાં ભવનની પ્રવૃત્તિઓને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું.
મુખ્ય સંબોધન કરતા મુખ્ય અતિથિ શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ પ્રજાસત્તાક દિવસ અને બંધારણના મહત્વ વિશે વાત કરી નાગરિક હોવાના બોજ અને અધિકારો પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક થયા બાદ ભારતે ટેક્નોલોજી, દવા, કળા વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.’’
તેમણે યુકેમાં મેગ્ના કાર્ટા વિશે ટૂંકમાં વાત કરી લોકોને સારા નાગરિક બનવાના મુખ્ય ગુણો, સત્યતા, ન્યાય, સમાનતા, સન્માન અને સમાજમાં સક્રિય ભાગીદારી વિશે વાત કરી હતી. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભારતીય પરંપરા, પર્યાવરણની સુરક્ષા માટેના આપણા પ્રયાસો વિશે પણ જણાવ્યું હતું. તેમણે ઋગ્વેદના એક શ્લોક ‘એકમ સત્ વિપ્ર બહુધા વદન્તિ’ ને ટાંકતા જણાવ્યું હતું કે આપણે સતત વિચારવું જોઈએ કે આપણે વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે કેવી રીતે મદદ કરી શકીએ.
કાર્યક્રમની શરૂઆત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારની પરંપરાગત સંસ્કૃત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે હિંદુજા જૂથના શ્રી ગોપી હિન્દુજા, ભારતના હાઈ કમિશનના સંરક્ષણ અને લશ્કરી સલાહકાર બ્રિગેડિયર વિક્રમજીત સિંઘ ગિલ, ચેલારામ ફાઉન્ડેશનના મુરલી રામદોસ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાષણો પછી ભવનના સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.