ભવનના નિવાસી હિન્દુસ્તાની ગાયક શિક્ષક શ્રીમતી ચંદ્રીમા મિશ્રા દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાના ચમકદાર પ્રદર્શનને રજૂ કરવા બે-દિવસીય હિંદુસ્તાની મ્યુઝિક ફેસ્ટિવલનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સોલો, ડ્યુએટ અને ગૃપ પરફોર્મન્સ રજૂ કર્યા હતા.
પ્રથમ સાંજે ‘ભૈરવથી ભૈરવી’ શીર્ષક અંતર્ગત સવારથી સાંજ સુધી ગાવામાં આવતા રાગોની શ્રેણી દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ વંદનાથી શરૂઆત કરીને યુવા વિદ્યાર્થીઓએ રાગ ભૈરવથી શરૂ કરીને, સવારના રાગો ગુણકલી, આહીર ભૈરવ, ગુજરી તોડી, ભટિયાર, બિલાસખાની ટોડી; બપોરના રાગો ભીમપલાસી, શુદ્ધ સારંગ; અને સાંજના રાગો મુલતાની અને પુરિયા રજૂ કર્યા હતા. રાત્રે ગાવામાં આવતા રાગોમાં ગોરખ કલ્યાણ અને બિહાગનો સમાવેશ કરાયો હતો.
બીજી સાંજનું શીર્ષક ‘સાંજ રાગ’ હતું અને સ્વર્ગસ્થ માતા શ્રીમતી ગીતા સામંતા જીને તે સાંજ ચંદ્રિમાજીએ અર્પણ કરી હતી. તેમાં સૌથી નાના વિદ્યાર્થીઓ દ્વારા યમન રાગ, ત્યારબાદ શુદ્ધ કલ્યાણ, મધુવંથી, જોગ અને બાગેશ્રીની સુખદ એકલ પ્રસ્તુતિ કરાઇ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ભવનમાં તેમના તાલીમના અનુભવો વિશે વાત કરી હતી.
સાંજનો બીજો ભાગ રવીન્દ્ર સંગીતને સમર્પિત હતો અને ચંદ્રીમાજીએ તેમની માતા દ્વારા શીખવવામાં આવેલા ગીતના થોડા શ્લોકો ગાયા હતા. આ ભાગ ખયાલ ગાયન અને રવીન્દ્ર સંગીત અથવા ટાગોર ગીતોનો અનોખો સમન્વય હતો. રાગ દેશમાં ભવ્ય સમાપન સાથે ઉત્સવનું સમાપન થયું હતું.
બંને સાંજે પં. રાજકુમાર મિશ્રાજી તેમના કેટલાક વિદ્યાર્થીઓ સાથે તબલા પર, અને શ્રીમતી. ચંદ્રીમા મિશ્રા જીએ પોતે હાર્મોનિયમ પર સંગત કરી હતી. 8 વર્ષની વયના બાળકથી લઇને પરિપક્વ પુખ્ત ગાયકોએ તેમાં ભાગ લીધો હતો.