યુકેમાં ભારતીય કલા સંસ્કૃતિના પ્રચાર, પ્રસાર સહિત શિક્ષણનું કાર્ય કરતી સૌથી મોટી સંસ્થા, ધ ભવન લંડન, યુકેમાં પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂરા કરી સુવર્ણ જયંતિ પર્વની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ભવન્સ દ્વારા તા. 11 મે 2022ના શનિવારના રોજ સવારે 11 વાગ્યાથી ભારતના હાઇ કમિશ્નર શ્રીમતી ગાયત્રી ઇસ્સાર કુમારના મુખ્ય મહેમાન પદે સુવર્ણ જયંતિ સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાભવન દ્વારા મે 2022થી એપ્રિલ 2023 – આખા વર્ષ દરમિયાન માઈલસ્ટોનની ઉજવણી માટે વિવિધ કલા-સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાસ ક્યુરેટેડ ઈવેન્ટ્સ, પર્ફોર્મન્સ, વર્કશોપ્સ અને પ્રદર્શનોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવનાર છે. જેમાં ભવનના કલા ગુરૂ શિક્ષકો અને કલાકારો ભારતીય નૃત્યો, ગીત-સંગીત અને અન્ય કલાઓ રજૂ કરશે.
આ ગોલ્ડન જ્યુબીલી ઉજવણીની મુખ્ય હાઇલાઇટ્સમાં રુક્મિણી વિજયકુમાર દ્વારા ભરતનાટ્યમ પરફોર્મન્સ અને વર્કશોપ, ઉસ્તાદ લાલગુડી કૃષ્ણન અને લાલગુડી વિજયલક્ષ્મી દ્વારા વાયોલિન ડ્યુએટ પરફોર્મન્સ અને વાયોલિન – વોકલ વર્કશોપ, સ્વાતિ નાટેકર દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિની વિશેષ સાંજ, પં. પ્રતાપ પવાર MBE દ્વારા બિરજુ મહારાજને અંજલિ આપતા કાર્યક્રમ અને ‘ધ આર્ટ ઑફ તબલાં’ વ્યાખ્યાન -પ્રદર્શન સીરીઝ અંતર્ગત પં. સંજય મુખર્જી સાથે શ્રી હિરન્મય મિશ્રા વક્તવ્ય આપશે.
ભારતીય વિદ્યાભવનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી એમ. નંદકુમારે ‘ગરવી ગુજરાત’ને એક એકસક્લુઝીવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’આજથી પૂરા 50 વર્ષ પૂર્વે સેન્ટ્રલ લંડનના 37 ન્યુ ઓક્સફર્ડ સ્ટ્રીટ ખાતે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરાઇ હતી. તે વખતે ભારતના આર્ટ, કલ્ચર અને અન્ય પ્રવૃત્તીનું પ્રમોશન ત્યાંથી કરાતું હતું. તે પછી 1977માં અમે હાલના વેસ્ટ કેન્સિંગ્ટન ફૂલહામ ખાતેના જુના ચર્ચ બિલ્ડીંગ ખાતે સ્થળાંતર કર્યું હતું. જેનો વિધિવત શુભારંભ તે વખતના વડા પ્રધાન લોર્ડ કલાહાને કર્યો હતો. હાલમાં અમે ભારતીય વિદ્યાભવનના વિશાળ મકાનમાં આવેલા 20 જેટલા રૂમમાં ભારતના નૃત્ય, સંગીત, કલા અને ભાષા માટેના ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ. આ ઉપરાંત અમારી પાસે કોન્સર્ટ હોલ, લાયબ્રેરી, વર્કશોપ્સ, કિચન, આર્ટ ગેલેરી વગેરેની સગવડ પણ છે.’’
શ્રી નંદકુમારે જણાવ્યું હતું કે ‘’ભારતીય વિદ્યાભવન યુકેના સૌ પ્રથમ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી માથુર કૃષ્ણમૂર્તિ હતા અને પ્રથમ ચેરમેન તરીકે શ્રી માણેક દલાલે સેવાઓ આપી હતી. શ્રી માથુરજી 1995માં નિવૃત્ત થઇ ભારત જતા રહ્યા હતા અને તેમના પછી મેં જવાબદારી સંભાળી હતી. જ્યારે ભવનના ચેરમેન શ્રી માણેક દલાલ 2011માં નિવૃત્ત થયા હતા અને તેમના સ્થાને હોટેલિયર શ્રી જોગિન્દર સિંઘ સેંગર હાલ ભવનના ચેરમેન તરીકે સેવાઓ આપે છે. હાલમાં ભારતીય વિદ્યાભવનનું તેમના માર્ગદર્શન હેઠળ એક ખૂબ જ મજબૂત અને સક્ષમ એક્ઝીક્યુટીવ કમીટી દ્વારા સખાવતી દાતાઓની મદદથી સંચાલન થાય છે અને ભારતની કલા પ્રવૃત્તિનો વિકાસ થાય છે.’’
શ્રી નંદકુમારે જણાવ્યું હતું કે ‘’વિવિધ કલા પ્રવૃત્તીના વર્ગો ચલાવવા અમારી પાસે હાલમાં 6 ફૂલટાઇમ અને બીજા 15 જેટલા પાર્ટ ટાઇમ કલા ગુરૂઓ અને બીજા 8 ઓફિસ સ્ટાફ છે. ભવનની સ્થાપના મહાત્મા ગાંઘીના સિધ્ધાંતોને આધારે થઇ હતી અને તેથી અમે કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઇને ભારતીય નૃત્ય, સંગીત, ભાષા કે કલા શિખવીએ છીએ. ભારતીય ડાયસ્પોરાની બહારના વિદ્યાર્થીઓ પણ હવે શિક્ષણ લઇ રહ્યા છે. જેઓ ભારતીય ક્લાસિકલ આર્ટ્સની સુંદરતા અને શક્તિને વિશ્વભરના અન્ય સમુદાયો સુધી પહોંચાડે છે જે બદલ ભવન ગર્વ અનુભવી રહ્યું છે. હાલની તારીખે 800 વિદ્યાર્થીઓ ઉત્તર અને દક્ષિણ ભારતીય નૃત્ય, ગીત-સંગીત, ભાષાઓ સહિત કુલ 23 પ્રકારના વર્ગોમાં શિક્ષણ મેળવી રહ્યા છે. અમે ભારત અને પશ્ચિમના દેશોના કલાકારોના 100 જેટલા કોન્સર્ટનું દર વર્ષે આયોજન કરીએ છીએ. ભવનના ગેસ્ટ રૂમમાં ભારત કે અન્ય દેશોથી આવેલા કલાકારોના નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’ભારતીય કલા સંસ્કૃતિની જે સેવા ભવને યુકેમાં કરી છે તેવી સેવા કદાચ કોઇ સંસ્થાએ કરી નહિં હોય. વિખ્યાત કલાકારો પંડિત રવિ શંકર, ગાયીકા લત્તા મંગેશકર, એમ એસ સુબલક્ષ્મી સહિત વિખ્યાત કલાકારો ભવનના પેટ્રન રહી ચૂક્યા છે. અમને વિતેલા વર્ષોમાં સાથ સહકાર પનાર કલાકારો, નૃટ્યકારો, ગીતકારો, સંગીતકારો, બાળકોના કલા શિક્ષણ માટે ભવનની પસંદગી કરનાર વાલીઓ તેમજ તેમના બાળકો અને શિક્ષકોના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ભારતીય વિદ્યાભવન આગામી દિવસોમાં ભારતની કલા પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહે તેવી ભાવના છે.‘’
શ્રી નંદકુમારે જણાવ્યું હતું કે ‘’અમને ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના સ્થાપક તંત્રી શ્રી રમણિકલાલ સોલંકીનો અને તેમના બે પુત્રો કલ્પેશ સોલંકી અને શૈલેષ સોલંકીનો વિતેલા વર્ષોમાં ખૂબ જ સુંદર સહોયગ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે તેમનો અને અન્ય મિડીયાનો ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.’’
છેલ્લાં 5 દાયકાઓમાં ભવને ભારતીય શાસ્ત્રીય ગીત-સંગીત-નૃત્ય કળાને જાળવવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવાના અભિયાન અંતર્ગત સદીના કેટલાય મહાન કલાકારો અને કલા ગુરૂઓના યજમાન બનવાનું સન્માન મેળવ્યું હતું. હજારો વિદ્યાર્થીઓએ ભવનમાં કલાકારો, કોરિયોગ્રાફર અને શિક્ષકો તરીકે કલાની તાલીમ લઇ ભારતીય કલા માટે યોગદાન આપી રહ્યા છે.
ભવન યુકે એ વિશ્વભરના 110 ભારતીય વિદ્યા ભવન કેન્દ્રોમાંનું એક છે, જેમાંથી 105 કેન્દ્રો ભારતમાં આવેલા છે. ભારતીય વિદ્યા ભવન એ એક વ્યાપક કલા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઝુંબેશ છે અને માને છે કે સંસ્કૃતિના સામાન્ય તત્વો અવરોધોને પાર કરી શકે છે અને લોકોને એકસાથે લાવી શકે છે.
ભવનને આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, ચેલારામ ફાઉન્ડેશન, ઈન્ફોસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એર ઈન્ડિયા અને અન્ય ઘણા લોકો દ્વારા ટેકો આપવામાં આવે છે. વધુ માહિતી, વર્ગો, ટિકિટ અને રજીસ્ટ્રેશન માટે જુઓ www.bhavan.net