કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના વડપણ હેઠળ રવિવારે યોજાયેલી પક્ષની સ્ટીયરિંગ કમિટીની બેઠકોમાં સંખ્યાબંધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખડગેએ નેતાઓને સારો દેખાવ કરવા અથવા અન્ય લોકો માટે માર્ગ કરવા માટે કડક સંદેશ આપ્યો હતો તથા ટોચથી તળિયા સુધીના પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂક્યો હતો.
દિલ્હીમાં AICC હેડક્વાર્ટર ખાતેની બેઠકમાં દરમિયાન કોંગ્રેસે ફેબ્રુઆરીના બીજા ભાગમાં છત્તીસગઢના રાયપુર ખાતે તેનું પૂર્ણ અધિવેશનનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં પ્રમુખ તરીકે ખડગેની ચૂંટણીને બહાલી અપાશે.
કોંગ્રેસે 26 જાન્યુઆરી સુધીમાં ભારત જોડો યાત્રાને સમાપ્ત કરવાની યોજના બનાવી હોવાથી સ્ટીયરિંગ કમિટીએ 26 માર્ચ સુધી હાથ સે હાથ જોડો અભિયાન સાથે તેનો જન સંપર્ક ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. અભિયાન ગામથી બ્લોક અને જિલ્લા સ્તર સુધી પદયાત્રા કૂચ કાઢવામાં આવશે તથા તે રાજ્યના મુખ્યાલયમાં જાહેર રેલીઓ તરીકે સમાપ્ત થશે. પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ “ચાર્જશીટ” ઉપરાંત ભારત જોડો યાત્રાના મુખ્ય સંદેશા સાથેનો રાહુલ ગાંધીનો એક પત્ર પણ સુપરત કરશે. પાર્ટીએ સમગ્ર દેશમાં મહિલા કાર્યકરોની રાજ્યસ્તરીય માર્ચ કાઢવાની પણ યોજના બનાવી છે, જે મહિલા માર્ચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધી વાડ્રા કરશે.
બેઠકના પ્રારંભિક પ્રવચનમાં ખડગેએ પક્ષમાં સંગઠનાત્મક જવાબદારી ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવામાં અસમર્થ છે તેવા નેતાઓએ બીજા માટે માર્ગ કરી આપવો પડશે. તેમણે પાર્ટી ઇનચાર્જને મહિનામાં 10 દિવસ સંબંધિત વિસ્તારોની મુલાકાત લેવાની સૂચના આપી હતી.