કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો ઝઘડો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ભરતસિંહે છૂટાછેડા લેવા માટે બોરસદ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ 4 મેએ સુનાવણી કરશે.
છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને આ ઝઘડામાં બંનેએ એકબીજાને જાહેર નોટિસ પણ આપી હતી. એટલું જ નહીં, રેશ્મા પટેલ વચ્ચે થોડો સમય અમેરિકા જતા રહ્યા હતા અને ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે ભરતસિંહ પર ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકવા સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જુલાઈ 2021માં તેમની પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે તેમને હવે કોઈ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશમા પટેલ સાથે નાણાકીય લેવડ-દેવડ કરવી નહીં. તેમ છતાં કોઈ નાણાકીય લેવ-દેવડ કરશે તો તેની જવાબદદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં.