ભારત સાથે સારા સંબંધોની જોરદાર તરફેણ કરતાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભટ્ટો-ઝરદારીએ ગુરુવાર (16 જૂન)એ જણાવ્યું હતું કે નવી દિલ્હી સાથે સંબંધો કાપી નાંખવાથી દેશના હિતોની રક્ષા થશે નહીં, કારણ કે ઇસ્લામાબાદ અગાઉથી આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે.ઇસ્લામાબાદમાં ઇન્સ્ટીટયૂટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝમાં બોલતા બિલાવલ ભુટ્ટોએ સવાલો કર્યા હતા કે શું ભારત સાથેના સંબંધો તોડવાથી પાકિસ્તાનનું હિતોની સેવા થઇ છે.? શું પાકિસ્તાન પોતાના ઉદ્દેશ હાંસલ કરી શક્યું છે? કાશ્મીર હોય કે ઇસ્લામોફોબિયા હોય આ બધામાં પાકિસ્તાને દ્વષ્ટીએ પોતાને કાપી નાખ્યું છે. હું, એક વિદેશપ્રધાન તરીકે, પોતાના દેશના પ્રતિનિધિ તરીકે ભારત સરકાર કે ભારતીય લોકો સાથે વાત કરી શકતો નથી.
નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવી એ પછી તૂટી ગયા છે. પાકિસ્તાન એક તરફી કાર્યવાહી કરીને દ્વીપક્ષીય વેપારને પણ ઠપ્પ કરી દેવાની જાહેરાત કરી હતી. આતરરાષ્ટ્રીય ફોરમ પર ભારત વિરોધી પ્રચાર કરવામાં પાકિસ્તાને કોઇ કસર છોડી ન હતી પરંતુ પાકિસ્તાનને દરેક મંચ પર નિષ્ફળતા મળી હતી.
ઇસ્લામિક દેશોના સંગઠને પણ સમર્થન આપ્યું ન હતું. એક બાજુ આર્થિક દેવું અને બીજી બાજુ વિદેશનીતિની નિષ્ફળતાથી પાકિસ્તાન ઘર આંગણે ઘેરાયું હતું. હવે શરીફ સરકાર ભારત સાથે સંબંધો સારા ઇચ્છતી હોય તેમ જણાય છે પરંતુ પાકિસ્તાનમાં સરકાર કોઇ પણ હોય ભારત વિરોધી એજન્ડા છૂપો ચલાવતી જ રહે છે. ભારતે અનેક વાર સ્પષ્ટતા કરી છે કે આતંકવાદ અને શાંતિમંત્રણા એક સાથે ચાલી શકે નહી.