દેશમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરૂદ્ધ જનસમર્થન તૈયાર કરવા માટે કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’નો પ્રારંભ કરાવ્યો હતો. આશરે 3,570 કિમી લાંબી આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે. આ યાત્રા 150 દિવસમાં કન્યાકુમારીથી શ્રીનગર સુધીનો રૂટ કવર કરશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે તમિલનાડુમાં પાર્ટીના કાર્યકરોની સાથે કન્યાકુમારીમાં ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને ભારત જોડો યાત્રા અહીંથી શરૂ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ કોંગ્રેસ જ નહિ ભારતના કરોડો લોકો ભારત જોડો યાત્રાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કન્યાકુમારીમાં ભાજપ પર તપાસ સંસ્થાઓ થકી વિપક્ષો પર દબાણ કરવાનો આક્ષેપ મુક્યો હતો.ભાજપને લાગે છે કે ઇડી, સીબીઆઇ અને આઇટી વિભાગથી તેઓ વિપક્ષને ડરાવી શકે છે. ગમે તેટલા કલાકની પૂછપરછ થાય વિપક્ષનો એક પણ નેતા બીજેપીથી નહિ ડરે. આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને એક ‘હોનારત’ તરફ જઇ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે થોડાક વેપારીઓ વડાપ્રધાન મોદીની મદદથી દેશ પર અંકુશ કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે મારા મેડિકલ ચેક-અપ્સ ચાલી રહ્યા છે. તેથી આ આ ઐતિહાસિક ભારત જોડો યાત્રામાં નહિ જોડાવવા બદલ મારી અસક્ષમતા બદલ ખેદ દર્શાવું છું.
પદયાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી વહેલી સવારે તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા. અહીં કાંચીપુરમ ખાતે તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારક ખાતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સ્થળે જ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. રાહુલ ગાંધીએ બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ચેન્નાઈ પરત ફર્યા હતા.
યાત્રા દરમિયાન હજારો કોંગ્રેસી કાર્યકરો અને નેતા દરરોજ આશરે 6-7 કલાક ચાલશે. રાહુલ ગાંધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને અર્થતંત્ર જે પ્રકારે ડૂબી રહ્યું છે તે મુદ્દાઓને આવરી લે તેવી શક્યતા છે.
8 સપ્ટેમ્બરના રોજ દરેક વિધાનસભા ક્ષેત્ર અને બ્લોકમાં પદયાત્રા યોજવામાં આવશે. સર્વધર્મ પ્રાર્થના અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ પદયાત્રા માટે કોંગ્રેસે 119 નેતાઓની યાદી બનાવી છે. જેમાં રાહુલ ગાંધી સમગ્ર પદયાત્રામાં ‘ભારત યાત્રી’ તરીકે સાથે રહેશે. લગભગ 30 મહિલાઓ પણ તેમાં જોડાશે. ‘ભારત યાત્રી’ની સરેરાશ ઉંમર 38 વર્ષ નક્કી કરાઈ છે. આ યાત્રાની ટેગલાઈન ‘મિલે કદમ, જુડે વતન’ રખાઈ છે. પાર્ટીનું કહેવું છે કે, સામાજિક કાર્યકરો, બૌદ્ધિકો, લેખકો, કલાકારો અને અન્ય જાણીતી હસ્તીઓ આ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. લગભગ 5,000 નાગરિકોએ પણ તેના માટે રજિસ્ટ્રેશન કરાયું છે.
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ને ભાજપે પરિવાર બચાવવાની યાત્રા ગણાવી
કોંગ્રેસની ભારત જોડો યાત્રા મુદ્દે ભાજપ નેતા રવિશંકર પ્રસાદએ આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે આ યાત્રાને પરિવાર બચાવવાની યાત્રા છે. કોંગ્રેસ પોતાને પણ જોડી શકી નથી. તેમની આ ભારત જોડો યાત્રા છેતરપિંડી છે. તેણે દેશને કમજોર કર્યો છે. તેમની પરિવાર બચાવવાની યાત્રા છે. કોંગ્રેસમાં એક દરબારી ગીત ગવાય છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવો, પાછા અધ્યક્ષ બનાવો.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કહે છે કે હું અધ્યક્ષ નહીં બનું, ક્યારેક તે વિદેશ યાત્રા પર નીકળી જાય છે, પાર્ટી સાથે કેટલા જોડાયા છે તે આપ તમામ જાણો છો. કોંગ્રેસના પોતાના જૂના સમર્પિત લોકો, સમર્પિત નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે અને રાહુલ જી નીકળ્યા છે દેશ જોડવા. રાહુલ જી તમે પહેલા પોતાનુ ઘર, પાર્ટી જોડી લો પછી દેશ જોડવાની વાત કરજો.