ભારત બાયોટેક આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં કોરોના વાઇરસની તેની વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ભારતના નિયમનકારી સત્તાવાળા પાસેથી જરુરી મંજૂરી મળી જશે તો તે આ સમયગાળા સુધી વેક્સિન તૈયાર કરી દેશે, એમ કંપનીના ટોચના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
કંપનીએ જણાવ્યું હતું કે કંપની હાલમાં દેશમાં ત્રીજા તબક્કાના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સહયોગમાં કોવેક્સિન નામની વેક્સિન તૈયાર કરી રહી છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાઇ પ્રસાદે જણાવ્યું હતું કે મજબૂત પુરાવા અને ડેટા મળ્યા બાદ છેલ્લાં તબક્કાના ટ્રાયલમાં અસરકારકતા અને સુરક્ષાના સારા પરિણામ આવે તો અમે આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં વેક્સિન લોન્ચ કરવા માગીએ છીએ.
