ભારત અને વિશ્વભરમાં રસીકરણ પ્રોગ્રામને સપોર્ટ કરવા માટે ભારત બાયોટેકે તેની કોરોના વેક્સીન કોવેક્સીનની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 700 મિલિયન ડોઝ કરી છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું. કંપનીએ હૈદરાબાદ અને બેંગલોર ખાતેના વિવિધ પ્લાન્ટમાં તબક્કાવાર ધોરણે ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે ખાસ કરીને નવી ડિઝાઇન કરાયેલી BSL-3 ફેસિલિટીને કારણે કંપની ઓછા સમયમાં કોવેક્સીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકી છે. ભારતમાં BSL- 3 પ્લાન્ટ તેના પ્રકારનો પ્રથમ પ્લાન્ટ છે, જેનો હેતુ બદલવામાં આવ્યો છે. કંપની બીજા દેશોમાં ઉત્પાદન ભાગીદારીની શક્યતા ચકાસી રહી છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે કંપનીએ કોવેક્સીનના ડ્ર્ગ સબસ્ટન્સના ઉત્પાદન માટે ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ સાથે ભાગીદારી કરી છે. ટેકનોલોજી ટ્રાન્સફરની પ્રોસેસ ચાલુ છે. આઇઆઇએલ ઇનએક્ટિવેટેડ વાઇરલ વેક્સીનના ઉત્પાદનની જાણકારી અને ક્ષમતા ધરાવે છે.
ભારત બાયોટેકની કોવેક્સીનના ઇમર્જન્સી ઉપયોગ માટે ભારત અને વિશ્વના કેટલાંક દેશોમાં મંજૂરી મળેલી છે. આ વેક્સીનને મેક્સિકો, ફિલિપાઇસન્સ, ઇરાન, પેરાગ્વે, ગૌટેમાલા, નિકારગુવા, ગુયાના, વેનેઝુએલા, ઝિમ્બાબ્વેએ મંજૂરી આપેલી છે. કંપનીએ અમેરિકા અને યુરોપના દેશો પણ મંજૂરી માટે અરજી કરી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેક્સીનનો ભાવ ડોઝ દીઠ 15થી 20 ડોલર છે.