કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાનની દેશમાં આંશિક અસર થઈ હતી. મોટા ભાગના રાજ્યોમાં જનજીવન અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. અમુક વિસ્તારોમાં ખેડૂતો અને વિરોક્ષ પક્ષના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમુક સ્થળોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, દેખાવો, આગજની, ચક્કાજામ અને પથ્થરમારાના બનાવો બન્યા હતા.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઓડિસા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, કેરળ, બંગાળ, ઝારખંડ જેવા રાજ્યોમાં ભારત બંધની વિશેષ અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઓડિસામાં ટ્રેનો અટકાવવામાં આવી હતી અને અમુક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોએ કોલકત્તાના રેલવે સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર દેખાવો કર્યા હતા.
ખેડૂતો અને વિરોક્ષ પક્ષોના નેતાઓએ દિલ્હી મેરઠા હાઇવે બંધ કરી દીધો હતો. મુંબઈનું સૌથી મોટું કૃષિ માર્કેટ પણ ખેડૂતોના સમર્થનમાં બંધ રહ્યું હતું. બેન્ક યુનિયનને ખેડૂતોને સમર્થન આપ્યું હતું, પરંતુ તેઓ ભારત બંધમાં સામેલ થયા ન હતા. ભારત બંધના એલાનને વિવિધ ખેડૂત સંગઠનો, 10 ટ્રેડ યુનિયન, 15 જેટલા રાજકીય પક્ષો અને કેટલાંક બોલિવૂડ કલાકારો, ખેલાડીઓ, સાહિત્યકારો, વ્યાપારી સંગઠનોએ સમર્થન આપ્યું હતું. બિહારમાં વિવિધ સ્થળોએ વિરોધ રાજકીય પક્ષોએ અને ખેડૂત સંગઠનોએ દેખાવો કર્યા હતા અને કેટલીક જગ્યાએ આગજનીની ઘટના બની હતી.
ઓડિશામાં ડાબેરી પાર્ટીઓ, ટ્રેડ યૂનિયનો અને ખેડૂત સંગઠનોએ સાથે મળી ભારત બંધમાં જોડાયા હતા. તેઓએ ભુવનેશ્વર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના વ્યવહારમાં અડચણ ઊભી કરીને અનેક ટ્રેનો રોકી દીધી હતી.
મહારાષ્ટ્રમાં સ્વામિમાની શેતકારી સંગઠને ભારત બંધ દરમિયાન રેલ રોકો અભિયાન ચાલુ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉત્તરપ્રદેશનાના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી હતી. ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલા સપા કાર્યકર્તાઓએ બુંદેલખંડ એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોના ભારત બંધને જોતા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના ગ્રામીણ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ હતી.