લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી યોજનાના વિરુદ્ધમાં કેટલાંક સંગઠનો અને રાજકીય પક્ષોએ સોમવાર, 20 જૂને ભારત બંધનું એલાન આપ્યું હતું. જોકે બપોર સુધી આ બંધના એલાનની નહિવત અસર જોવા મળી હતી. ભારત બંધના એલાનને કારણે દેશમાં આશરે 500 ટ્રેન રદ કરવામાં આવી હતી.
દિલ્હીને અડીને આવેલી અનેક સીમાઓ પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. નોઈડા, ગુરૂગ્રામના દિલ્હીને અડેલી બોર્ડર પરથી ટ્રાફિક જામની ભયંકર તસવીરો સામે આવી રહી હતો.
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિભિન્ન વિદ્યાર્થીઓ સાથે-સાથે વિપક્ષી દળોએ પણ આજે ભારત બંધનું એલાન કર્યું હતું. તેમાં મુખ્ય ફોકસ દિલ્હી પર હતું. વિભિન્ન સંગઠનેઓ દિલ્હી કૂચની હાકલ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. સવારથી જ દિલ્હી તરફથી આવી રહેલા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી.
ટ્રાફિક જામની મુશ્કેલી દિલ્હી-નોઈડા બોર્ડર પર પણ જોવા મળી હતી. દિલ્હીના ચિલ્લા બોર્ડર નોઈડા-દિલ્હી લિંક રોડ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તેના પર નોઈડાના ADCP રણવિજય સિંહે જણાવ્યું કે, ભારત બંધના ઘણા ઈનપુટ અમારી પાસે છે તે હિસાબે અમે બધી વ્યવસ્થા કરી રાખી છે. અમે બધા બોર્ડર પર તૈનાત છીએ.
તેમણે જણાવ્યું કે, અમે સુનિશ્ચિત કરીશું કે, કોઈ પણ પ્રદર્શનકારી જે દિલ્હીમાં કાયદા વ્યવસ્થાને પ્રભાવિત કરે છે તે સીમાની અંદર ન પ્રવેશી શકે.
ભારત બંધના એલાનના કારણે બાકી રાજ્યોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. બિહારના પટનામાં ડાક બંગલા ચોક પર સુરક્ષા દળો તૈનાત કરાયા હતા. બીજી તરફ પંજાબના અમૃતસરમાં SHO અમોલકદીપે જણાવ્યું કે, ભારત બંધ આહવાનને ધ્યાનમાં રાખી અમૃતસર રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. RPF, GRP અને રેલ્વે ઈન્ટેલિજન્સ સાથે સમન્વય બનાવીને પ્લાન બનાવ્યો હતો જેથી કોઈ પણ અસામાજિક તત્વ કોઈ પણ પ્રકારની તોડફોડ ન કરી શકે.