સરકારના કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે આકરું વલણ અપનાવ્યું હતું અને આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું. તેમણે દિલ્હીની ઘેરાબંધી કરવાની પણ ચીમકી આપી છે. ખેડૂતોએ આઠ ડિસેમ્બરે હડતાલના ભાગરૂપે દેશભરમાં તમામ હાઇવે ટોલ ગેટનો કબજો કરવાની પણ ચીમકી આપી હતી.
કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો નવમો દિવસ હતો. સરકારની સાથે શનિવારે થનારી બેઠક પહેલાં ખેડૂતોએ શુક્રવારે આ મોટી જાહેરાત કરી હતી. ખેડૂતો નેતાઓએ જણાવ્યું હતું કે હવે દિલ્હીના અન્ય રસ્તાઓ પણ બ્લોક કરીશું. ખેડૂતોની મીટિંગ પછી તેમના નેતા હરવિંદરસિંહ લખવાલે આ જાહેરાત કરી હતી.
આ આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક અરજી કરીને માગણી કરવામાં આવી છે કે ખેડૂતોને દિલ્હીની સરહદ પરથી તાત્કાલિક હટાવવાનો આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. પિટીશનરના વકીલ ઓમપ્રકાશ પરિહારે આ જાણકારી આપી હતી. જો કે આ અરજી પણ ક્યારે સુનાવણી થશે તે નક્કી થયું નથી.
ખેડૂતોના આંદોલનને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને સમર્થન કર્યું હતું. મમતા બેનર્જીએ ઘણા ખેડૂત નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે, કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ તમારા આંદોલનમાં તૃણમૂલ કોંગ્રેસ સંપૂર્ણ રીતે તમારી સાથે છે.
ખેડૂતોના સપોર્ટમાં એવોર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. લેખક ડો. મોહનજીત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કરી દીધા હતા. ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ એવોર્ડ પરત કરી દીધો હતો.
ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલા ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, આંદોલન હવે અટકશે નહીં. ખેડૂત યુનિયનના નેતા દર્શનપાલે શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે, આખા કાયદામાં ખામી છે.