બિલીયોનેર ભાનુ ચૌધરીનુ પત્ની સાથે ડિવોર્સ ડીલ: £60 મિલીયન ચૂકવશે

0
714

લંડનના પોશ વિસ્તારમાં આવેલા બેલગ્રેવીયા વિસ્તારમાં £20 મિલિયનના વૈભવશાળી મેન્શનમાં રહેતા બિલીયોનેર ભાનુ ચૌધરીએ તેમના પત્ની સિમરીન ચૌધરી સાથે ડિવોર્સ ડીલ ફાઇનલ કર્યુ છે અને તેઓ £60 મિલીયન ચૂકવશે.

38 વર્ષની સિમરીને ભારતના એક સૌથી ધનિક પરિવારના વારસદાર અને લિબરલ ડેમોક્રેટ્સના દાતા પતિ ભાનુ ચૌધરી પાસેથી £100 મિલિયનની માંગ કરી હતી. જેની સામે હાઇકોર્ટના જજ કોહેને ચુકાદો આપી ડીવોર્સ પેટે £60 મિલિયન આપવા હુકમ કર્યો હતો.

જજે આ વિવાદની ખાનગીમાં સુનાવણી કરી હતી અને પત્રકારોને વિસ્તૃત વિગતો જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેસમાં બ્રિટનના અગ્રણી ડીવોર્સ લોયર સામેલ હતા. ભાનુ ચૌધરીએ આ અગાઉ પોતાના બેડરૂમમાં થયેલી બિઝનેસની માહિતી પત્ની દ્વારા જાહેર કરવામાં ન આવે તેવી માંગ કરી હતી. જે માટે સિમરીનના વકીલોએ ખાતરી આપી હતી.

શ્રીમતી સિમરીન ચૌધરી 2011માં ચેનલ 4ના રિયાલિટી ટીવી શો ‘ધ સિક્રેટ મિલિયોનેર’માં દેખાયા હતા, જેમાં તેમણે શેફિલ્ડમાં બેઘર લોકોની ચેરિટીને મદદ કરી હતી. કાર્યક્રમના અંતે સિમરીને સ્વીકાર્યું હતું કે તેણે ક્યારેય ઘરે રાત્રે ભોજન નથી બનાવ્યું. કાર્યક્રમના અંતે તેમણે ચેરીટીને £100,000નું દાન આપ્યું હતું. સિમરીને 2004માં ભૂતપૂર્વ સાંસદ સાયમન હ્યુજીસને લંડનના મેયર બનવાની ઝુંબેશમાં પણ મદદ કરી હતી.

ભાનુ ચૌધરી અને તેમના પિતા સુધીર ચૌધરીએ 2004માં લિબરલ ડેમોક્રેટને £1.6 મિલિયન દાનમાં આપ્યા હતા. ભારતમાં એક ડીફેન્સ કોન્ટ્રેક્ટ દરમિયાન રોલ્સ રોયસે લાંચ આપી હોવાના આરોપ અંગે 2014માં સીરીઅસ ફ્રોડ ઑફિસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે રોલ્સ રોયસે £671 મિલિયનનો દંડ ભર્યા પછી બંને પર આરોપ મૂકાયો ન હતો અને કેસ સેટલ્ડ કરાયો હતો. તેમણે કોઈપણ ગેરરીતિને નકારી હતી.