ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર, વોટફર્ડ ખાતે 28થી 30 ઓગસ્ટ વચ્ચે વાર્ષિક જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં આશરે 35,000 મુલાકાતીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. જો કે કોઇ પણ ચોક્કસ સમયે 4500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા ન હતા.
આયોજકોએ કોરોનાવાઇરસ રોગચાળાને લક્ષમાં લઇને ભક્તોની ભીડ એક જ સમયે એકત્ર ન થાય તે માટે ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે તહેવારને ત્રણ દિવસોમાં સમાનરૂપે ફેલાયેલી રાખી હતી. આ પ્રસંગે સોશ્યલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ, ટેમ્પરેચર ચેકિંગ, માસ્ક પહેરવા સહિતના કડક કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. સલામત કાર્યક્રમ યોજાય તે સુનિશ્ચિત કરવા મંદિરે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને હર્ટ્સમેયર કાઉન્સિલ સાથે મળીને કામ કર્યું હતું. ભીડ ન થાય તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ પણ ગોઠવવામાં આવ્યું હતું.
મંદિરના પ્રમુખ પૂ. વિશાખા દાસીએ કહ્યું હતું કે, “કાર્યક્રમ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો અને ઘણા લોકો ભક્તિવેદાંત મેનોરની મુલાકાત લઇ આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરી શક્યા હતા. હું સમર્પણ અને સેવાથી તહેવારને શક્ય બનાવનાર સેંકડો સ્વયંસેવકોનો આભાર માનું છું.”
બ્રેન્ટની 21 વર્ષીય અંબિકાએ કાર પાર્કિંગ ટીમમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. તો હેરોનાં 83 વર્ષના લીલાબેન પટેલે શાકભાજી કાપીને તેમજ સ્વેચ્છાએ પ્રસાદની હજારો પ્લેટ તૈયાર કરવામાં મદદ કરી હતી. મુલાકાતીઓ ભક્તિવેદાંત મેનોરમાં ગાયોને નિરણ કર્યું હતું. તહેવાર દરમિયાન પ્રસાદ માટે વીસ ટન શાકભાજીનો ઉપયોગ થતો હતો અને સ્વયંસેવકો દ્વારા સૌને પ્રસાદ આપી શકાય તે માટે ચોવીસે કલાક ચૂલાની વ્યવસ્થા કરાઇ હતી.
ગયા વર્ષે માર્ચમાં યુકેમાં લાદવામાં આવેલા પ્રથમ લોકડાઉનના સંક્ષિપ્ત વિરામ બાદ, ભક્તિવેદાંત મેનોર ખાનગી પ્રાર્થના માટે ખુલ્લું રહ્યું હતું.