ઇસ્કોન ભક્તિવેદાંત મનોરે પોતાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે મંદિર માટે મોઝેક આર્ટિસ્ટ વેન્ડી ફિલિપ્સના નેતૃત્વમાં તેમની કોર ટીમ અને સમુદાયના આશરે 400 સભ્યોની મદદથી તૈયાર કરાયેલા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વિશેષ મોઝેકનું વોટફોર્ડના સંસદ સભ્ય ડીન રસેલે અનાવરણ કર્યું હતું.
મંદિરની મુખ્ય પ્રવૃત્તિઓનું ત્રણ વિસ્તૃત પેનલ્સમાં નિરૂપણ કરાયેલ આ મોઝેકની રચનાને મંદિરના મેદાનમાં પૂર્ણ થવામાં 8 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. કાચની ટાઇલ્સ, પોર્સેલેઇન અને મિરર ટાઇલ્સ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ મોઝેક માત્ર જટિલ વિગતો જ નહીં પણ પ્રકાશ સાથે પણ રમે છે તથા સૂર્યપ્રકાશમાં પ્રેરણાદાયી અસર બનાવે છે.
સંસદ સભ્ય ડીન રસેલે કહ્યું હતું કે “મોઝેક અનાવરણમાં મુખ્ય અતિથિ બનવું એ સાચો આનંદ અને સન્માન હતું. સ્થાનિક સમુદાયે બનાવેલો કલાનો આ ભાગ આવનારી પેઢીઓ માટે યોગ્ય રીતે ટકી રહેશે!”
આ પ્રસંગે ગુરુ કરાના પદ્મા દાસીએ મોઝેકની શરૂઆત વિશે વિગતવાર વર્ણન કરી કહ્યું હતું કે ‘’બ્લેગડોન સમરસેટના એક ગામમાં કલાકારના કામને જોયા પછી પ્રેરણા મળી હતી. મને લાગે છે કે ભાગ લેનાર દરેક વ્યક્તિ સંમત થશે કે તે અમારા વિવિધ સમુદાયના વિવિધ તત્વોને એકસાથે લાવ્યા છે. અમે છેલ્લાં 50 વર્ષોની ભક્તિવેદાંત મેનોરની વાર્તાને આર્ટવર્કમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.”
આ પ્રસંગે પ્રોજેક્ટમાં નોંધપાત્ર દાન આપનાર સ્માઈલ ક્લિનિક ગ્રુપના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.