પોતાના પુત્રને નોર્થ લંડનની લોકપ્રિય મિલ હિલ કાઉન્ટી સ્કૂલમાં દાખલ કરવા માટે પોતે વૃદ્ધ દંપતીના ઘરમાં રહેતી હોવાનો ઢોંગ કરી બનાવટી કરારો, ટેનન્સી એગ્રીમેન્ટ, ટેક્સ અને એનર્જી બિલ્સ સ્કૂલમાં રજૂ કરનાર ભક્તિ શાહે આઠ કાઉન્ટના આરોપોનો સ્વીકાર કર્યા બાદ કોર્ટ તેમને 8 જૂનના રોજ સજાનો હુકમ સંભળાવનાર છે.
ભક્તિ શાહ (ઉ.વ.38)એ દાવો કર્યો હતો કે તે મિલ હિલથી 1.1 માઇલ દૂર એજવેરમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં રહેતી હતી. જો કે હકિકતમાં તે શાળાના કેચમેન્ટ વિસ્તારની બહાર શાળાથી 3.4 માઈલ દૂર હેન્ડનમાં રહેતી હતી. ભક્તિ શાહે તમામ દસ્તાવેજો બોગસ રીતે બનાવ્યા હતા અને જ્યારે તે કાગળો પોસ્ટમાં અસલ ઘરમાલીકના ઘરે ગયા ત્યારે તેણીએ ઘર માલીક દંપત્તીને સમજાવ્યું હતું કે તે કાગળો ભૂલમાં તેમના સરનામને પોસ્ટ થયા છે અને તે મેળવી લીધા હતા. પરંતુ કેટલાક દસ્તાવેજોમાં ‘વિસંગતતાઓ’ જોયા પછી કાઉન્સિલના ચબરાક અધિકારીઓએ તેના જુઠાણાને પકડી લીધું હતું.
તેણે દાવો કર્યો હતો કે તે બીચ વોક, એજવેરમાં જમીનના ટૂકડા પર મિલકત બાંધી રહી છે જે વૃદ્ધ દંપતીના ઘરની પાછળ છે. તેના ભૂતપૂર્વ પાર્ટનર દ્વારા ખરીદાયેલો લેન્ડલોક પ્લોટ મિલ હિલ સ્કૂલથી લગભગ 1.1 માઈલ દૂર હતો.
બાર્નેટ કાઉન્સિલની એડમિશન ટીમે ભક્તિ શાહની બિડને નકારતા તેણે વાત ફેરવી તહ્યું હતું કે તે જમીનના ટુકડાની સામેની મિલકતમાં રહે છે. જે ઘર વાસ્તવમાં વૃદ્ધ દંપતીની માલિકીનું હતું જેઓ તેને પહેલાં ક્યારેય મળ્યા નહોતા. ભક્તિ શાહે 29 ઑક્ટોબર, 2021 અને 20 મે 2022 વચ્ચે ઈરાદાપૂર્વક આઠ કાઉન્ટના આરોપોનો સ્વીકાર કર્યો હતો.
શાહના વકીલ ડેનિયલ કેવગ્લિએરીએ જણાવ્યું હતું કે ‘તેણે જે કર્યું હતું તે ખોટું હતું અને તેનો દિલથી સ્વીકાર કરે છે. તેણી બ્રોમલી કાઉન્સિલની નોકરી ગુમાવનાર છે અને હવે તે કન્વેયન્સર લાયસન્સ માટે પણ અરજી કરી શકશે નહીં. જે તેના માટે સૌથી મોટી સજા છે.
ડિસ્ટ્રિક્ટ જજ લોરેન મેકડોનાગે સજા પૂર્વેનો અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપી ભક્તિ શાહને બિનશરતી જામીન આપ્યા હતા. બાર્નેટ કાઉન્સિલે £5,064.29ના કાનુની ખર્ચ માટે પણ અરજી કરી છે.