ગુજરાતની સ્કૂલોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના સરકારના નિર્ણયને જમિયત ઉલેમા-એ-હિંદ, ગુજરાત નામની સંસ્થાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો સરકારી ઠરાવ કાયદા, બંધારણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિપરીત હોવાનો તેમા દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં સરકારના નિર્ણયને રદ કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે હાઈકોર્ટમાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી અને તેઓ શું સ્પષ્ટતા કરવા માગે છે તે અંગેનો જવાબ સોગંદનામા મારફતે આપવાનો આદેશ આપ્યો હતો.
અરજદારના વકીલ ઈસા હકીમ વતી વકીલ મિહિર જોશીએ રજૂઆત કરી હતી કે, મૂલ્યો અને સિદ્ધાંતોના અભ્યાસનો સવાલ છે તો એ તો ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મોના મૂલ્યો અને આદર્શો અને જ્ઞાન પ્રણાલીનો શાળામાં વિવિધ સ્તરે સર્વાંગી સમાવેશ કરી શકાય. પરંતુ સવાલ એ છે કે શું માત્ર કોઈ એક ધર્મના ગ્રંથને સમગ્ર ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને સિદ્ધાંતો માટે પ્રાથમિકતા આપી શકાય? એક જ ધર્મ વિશે સ્કૂલમાં ભણાવવામાં આવે તે બંધારણની મૂળ વિભાવના, કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષણ નીતિના ઉદ્દેશથી સંપૂર્ણરીતે વિરોધાભાસી છે.