Bhagwat
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (Photo by STR/AFP via Getty Images)

દેશની વસતિ થઈ રહેલા ઝડપી વધારા અંગે ચિંતા વ્યક્ત કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં સંશાધનોની ઉપલબ્ધતાને આધારે આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય વસતિ નીતિની સમીક્ષા કરવી જોઇએ અને તેને ફરી ઘડવી જોઇએ અને તેનો દરેક માટે એકસમાન રીતે અમલ કરવો જોઇએ.

ભાગવતે સીમાપારથી થતી ધૂસણખોરીને રોકવાની અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) તૈયાર કરવાની માગણી કરી હતી, જેથી ઘૂસણખોરોને નાગરિક તરીકે હકો ન મળે અને દેશમાં જમીનની ખરીદી ન કરી શકે. પૂણેના રેશિમબાગમાં વાર્ષિક વિજયાદશમી સંબોધનમાં ભાગવતે જણાવ્યું હતું કે દેશની વસતિમાં ભારતીય મૂળના ધર્મોના લોકોની વસતિનો હિસ્સો અગાઉ 88 ટકા હતો, જે ઘટીને 83.8 ટકા થયો છે. ભૂતકાળમાં મુસ્લિમોની વસતિ 9.8 ટકા હતી, જે 1951થી 2011ની વચ્ચે વધી 14.83 ટકા થઈ છે.

ભાગવતે જણાવ્યું હતું કે “આપણો દેશ યુવાનોનો દેશ છે જેમાં યુવાનોની વસતિ આશરે 56થી 57 ટકા છે, જેઓ 30 વર્ષ પછી વૃદ્ધ થશે અને તેમના ભરણપોષણ માટે ઘણા લોકોની જરૂર પડશે. વૃદ્ધોની સંભાળ માટે કેટલાંક લોકોની જરૂર પડશે? આ તમામ પાસાંની વિચારણા કરવાની જરૂર છે”
તેમણે જણાવ્યું હતું કે “આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને વસતિ નીતિ ઘડવી જોઇએ અને તેનો દરેક માટે એકસમાન રીતે અમલ કરવો જોઇએ, કારણ કે વસતિથી સમસ્યા ઊભી થતી હોય તો તેના અસંતુલન પણ એક સમસ્યા બની શકે છે.”

 

મંદિરોના હક હિન્દુઓને સોંપવામાં આવે, સંપત્તિનો ઉપયોગ માત્ર હિન્દુઓ માટે કરો

નાગપુર વાર્ષિક વિજયાદશમી ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સર સંઘચાલક મોહન ભાગવતે દેશમાં કેટલાંક મંદિરોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવી ધાર્મિક સંસ્થાઓના સંચાલનના અધિકારો હિન્દુઓને સોંપવા જોઇએ અને તેમની સંપત્તિનો ઉપયોગ માત્ર માત્ર હિન્દુ સમુદાયના કલ્યાણ માટે કરવો જોઇએ.
આરએસએસના વડાએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના મંદિરો પર સંપૂર્ણપણે રાજ્ય સરકારનું નિયંત્રણ છે, જ્યારે દેશમાં બીજા કેટલાંક વિસ્તારોમાં મંદિરોનું સંચાલન સરકાર અને કેટલાંક શ્રદ્ધાળુઓના હાથમાં છે.
સરકાર દ્વારા સંચાલિત માતા વૈષ્ણોદેવી મંદિર જેવા મંદિરનું ઉદાહરણ આપીને ભાગવતે જણાવ્યું હતું કે આ મંદિરનું કુશળતાથી સંચાલન કરવામાં આવે છે. એ જ રીતે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ સ્થિત ગજાનન મંદિર , દિલ્હીમાં ઝંડેવાલા મંદિરનું સંચાલન ભક્તો દ્વારા થાય છે અને તેનું કુશળતાથી સંચાલન કરવામાં આવે છે.
ભાગવતે જણાવ્યું હતું કે જે મંદિરનું સંચાલન અસરકારક રીતે કરવામાં આવતું નથી ત્યાં લૂંટ થઈ રહી છે. કેટલાંક મંદિરનું સંચાલનની કોઇ વ્યવસ્થા નથી. મંદિરોની સ્થાયી અને અસ્થાયી સંપત્તિના દુરુપયોગના ઉદાહરણો જોવા મળ્યાં છે.

ભાગવતે ઓટીટી, બિટકોઇન અને ડ્રગ્સ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

 

ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવામાં આવતા અનિયંત્રિત કન્ટેન્ટ, તમામ દેશોના અર્થતંત્રને અસ્થિર કરી શકે તેવા નિરંકુશ બિટકોઇન અને સમાજના તમામ વર્ગો દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સના થતાં સેવન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને ભાગવતે આ મુદ્દાનો ઉકેલ લાવવા પગલાં લેવાનો સરકારને અનુરોધ કર્યો હતો.
ભાગવતે જણાવ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મમાં કેવું પ્રસારિત કરવામાં આવે છે. કોરોના મહામારીમાં બાળકોના હાથમાં પણ મોબાઇલ આવ્યા છે અને તેઓ શું જોવે છે તેના પર કોઇ અંકુશ નથી. એ જ રીતે ઓટીટી પ્લેટફોર્મ પર કોઇ નિયંત્રણો નથી.
નાર્કોટિક્સ અંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં નાર્કોટિક્સ ઘુસાડવામાં આવે છે અને તેના સેવનમાં વધારો થઈ રહ્યો છે. ઉચ્ચ વર્ગના લોકોથી માંડીને છેવાડાના લોકો તેના બંધાણી બન્યાં છે. આ ડ્રગ્સ બિઝનેસની કમાણીનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે થાય છે. બિટકોઇન અંગે તેમણે જણાવ્યું હતું કે બિટકોઇન પર કોઇ દેશનો અંકુશ નથી.