ખાનગી માલિકીના સમૂહ બેસ્ટવે ગ્રૂપે બ્રિટનની બીજા ક્રમની સૌથી મોટી ગ્રોસરી કંપની સેઇન્સબરીમાં 3.45 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. તા. 26ના રોજ સેઇન્સબરીના શેર બજારના બંધ ભાવે શેરની ખરીદી લગભગ £200 મિલિયન જેટલી છે. આ પગલાના પરિણામે બેસ્ટવે સેન્સબરીના છઠ્ઠા સૌથી મોટા શેરહોલ્ડર બનશે.
સ્ટોક એક્સચેન્જને આપેલા ટૂંકા નિવેદનમાં બેસ્ટવેએ જણાવ્યું હતું કે તે સેઇન્સબરીની બીજી ઓફર અંગે વિચારણા કરી રહ્યું નથી, પરંતુ ઉમેર્યું હતું કે તે “ઉપલબ્ધતા અને કિંમતને આધીન, સમય સમય પર સેઇન્સબરીના શેરની વધુ ખરીદી કરવા માટે વિચારી શકે છે. બેસ્ટવે ગ્રૂપ સેઇન્સબરીમાં રોકાણના હેતુઓ માટે તેના શેર રાખવા માંગે છે અને એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ ટીમને ટેકો આપવા માટે આતુર છે.”
બિલિયોનેર સર અનવર પરવેઝ, ચૌધરી અને શેખ પરિવારો 1976માં સ્થાપાયેલ બેસ્ટવેની માલિકી ધરાવે છે અને તેઓ યુકે, પાકિસ્તાન અને મધ્ય પૂર્વ એશિયામાં બેસ્ટવે હોલસેલ, યુકે કેશ-એન્ડ-કેરી બિઝનેસ અને વેલ ફાર્મસી ચેઇન સહિતનું રોકાણ ધરાવે છે. તેઓ કોસ્ટકટર ચેઇનના માલિક પણ છે અને લગભગ £4.5 બિલિયનના ટર્નઓવર સાથે યુકેમાં કૌટુંબિક માલિકીની સાતમી સૌથી મોટી બિઝનેસ ફર્મ તરીકે જાણીતી છે. તેઓ પાકિસ્તાનની સૌથી મોટી બેંકોમાંની એક અને દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ફેક્ટરીની માલીકી ધરાવે છે.
રિટેલ વિશ્લેષક મૌરીન હિન્ટને જણાવ્યું હતું કે ‘’લોઇડ્સ ફાર્મસીએ સેન્સબરીના તમામ 237 આઉટલેટ્સ બંધ કરવાની યોજનાની જાહેરાત કરી છે ત્યારે બેસ્ટ વે ની માલીકીની વેલ ફાર્મસી બિઝનેસ સંભવિત રિપ્લેસમેન્ટ હશે.”
બેસ્ટવે ગ્રૂપે ફાર્મસી ક્ષેત્રમાં £800 મિલિયન કરતાં વધુનું રોકાણ કર્યું છે અને તેના મુખ્ય રોકાણોમાં 2014માં વેલ ફાર્મસી (અગાઉની કો-ઓપરેટિવ ફાર્મસી)નું સંપાદન સામેલ છે.