ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન

નાના ગોળાકાર લીલા પાન ધરાવતું સરગવાનું ઝાડ દેખાવમાં ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સરળતાથી ઉગતું સરગવાનું ઝાડ, તેની શીંગો બદલ આકર્ષણ ધરાવે છે. પરંપરાગત રીતે સરગવાની શીંગને શાક તરીકે, દાળ-સાંભર જેવી વાનગીઓમાં ઉમેરીને ખાવામાં આવે છે. સરગવાની શીંગોનો સ્વાદ થોડો તૂરો અને મીઠો હોય છે. શીંગ ઝાડ પરથી ઉતારી અને તરત ઉપયોગમાં લેવામાં આવે તો તે ખૂબ જ રસાળ, સ્વાદિષ્ટ અને ચાવવામાં કૂણી હોય છે. મોટા ભાગે શાકમાર્કેટમાંથી ખરીદવામાં આવતી શીંગો, અગાઉથી ઉતારીને રાખેલી હોઇ તેમાં રસ ઓછો હોય છે, કડક થઇ ગયેલી હોય છે. થોડા ગરમ પાણીમાં શીંગોને પલાળી રાખવાથી, શીંગો નરમ થઇ જતી હોય છે.

સરગવો – શિગ્રુ ,મોરિંગાનું આયુર્વેદમાં સરગવાના ઝાડના ઔષધિય ગુણો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સરગવાને સંસ્કૃતમાં શિગ્રુ કહેવાય છે. કોઇ ખાસ વટી, ગુટી કે ચૂર્ણનાં પ્રયોગમાં શિગ્રુનું વર્ણન વિશિષ્ટ રીતે કરાયું નથી. શિગ્રુનાં પાન, શિગ્રુનાં ફૂલ, સરગવાની શીંગો, સરગવાની શીંગમાં રહેલાં બીજનો વિવિધ રોગમાં ઔષધિય ઉપયોગ શી રીતે કરવો તે જણાવાયું છે.

સરગવાની શીંગો
• સ્વાદમાં તૂરી • મીઠી હોય છે, શીંગો પાચકાગ્નિ વધારવાનું કામ કરે છે. સરગવાના દિપન • પાચન, ઉષ્ણ • તીક્ષ્ણ, સારક જેવા ગુણોને કારણે •પાચન શક્તિ ઓછી થઇ ગઇ હોય, •ગળામાં કફ લેપાયેલો રહેતો હોય, •ગળામાં સોજો અને દુઃખાવો થતો હોય તેવા રોગમાં સરગવાની શીંગોનો ઉપયોગ ફાયદો કરે છે.

સરગવાનો સૂપ
• તાજી, માવાદાર, સરગવાની શીંગો 2-3 લેવી, સ્વચ્છ, પાણીથી સાફ કરી, તેનાં નાના 2-3 ઇંચના ટુકડા કરવા, 250-300 મીલી પાણી સાથે શીંગોને ઢાંકીને ઉકાળવી, પાણી ઠંડું થયા બાદ શીંગને હાથથી મસળી, પાણીમાંથી શીંગના રેસા જુદા કરવા, ખૂબ પાતળી ગરણીથી ગાળવાથી શીંગનો માવો ગરણીમાં રહી જશે તેથી મસળવું નહીં માત્ર શીંગના રેસાને હાથથી અલગ કરી લેવા, આ મુજબ ઉકાળીને તૈયાર કરેલા પ્રવાહીમાં 1-2 ટી-સ્પૂન તલના તેલ અથવા ગાયના ઘીને ગરમ કરી હીંગ, મરીનો ભુક્કો, મીઠા લીમડાના પાનથી વઘાર કરવો. થોડી માત્રામાં સિંધવ મીઠું ઉનેરવું. આ મુજબ બનાવેલો સરગવાનો સૂપ નવશેકા તાપમાનનો જ ખાવામાં ઉપયોગમાં લેવો.

સરગવાની શીંગો, પાચક,
વાયુ-કફ નાશક ગુણો ધરાવે છે
• આથી અપચો, ભૂખ ન લાગતી હોય, ફિવર, સાંધાઓમાં દુઃખાવો થતો હોય તેઓ ફુલકા રોટલી, ગળેલો ભાત, દૂધી, કોળા, ગલકા, તૂરિયા પરવર જેવા શાક સાથે જમવામાં પ્રયોજી શકાય. રોગીની પાચન શક્તિ ખૂબ ઓછી હોય, તેઓ સૂપને સવારના નાસ્તાને બદલે પ્રયોજી શકે છે. આમ કરવાથી
•પાચન સુધરશે. • ભોજનમાં રૂચી થશે. •સરગવામાં રહેલું પોષણ કાર્બોહાઇડ્રેટ આધારિત નથી. આથી ડાયાબિટીસનાં રોગીઓ, વજન ઓછું કરવા માંગતા વ્યક્તિઓ આ સૂપનો નિયમિત પ્રયોગ કરી શકે છે.
સરગવાના પાન
• આયુર્વેદ સરગવાના પાનનાં રસના ઘણા ઔષધિય પ્રયોગો જણાવે છે. •સરગવાના પાનનાં રસમાં મરીનો પાવડર ભેળવી માથા – કપાળ પર ચોપડવાથી માઇગ્રેન, કફના ભરાવાથી થતાં માથાના દુઃખાવામાં રાહત થાય છે. •સરગવાના પાનનાં રસમાં મધ ભેળવી પીધા બાદ, તેનાં ઉપર નારિયેળનું દૂધ પીવું. આ મુજબ દિવસમાં બેથી ત્રણ વખત પીવું. આ પ્રયોગથી ઝાડા, ડિસેન્ટ્રી, કોલાઇટીસ, આંતરડાના ચાંદા જેવા રોગમાં ઝડપથી સુધારો થાય છે. •પેશાબ રોકાઇ ગયો હોય તેવા સંજોગોમાં સરગવાના પાન સાથે ગાજરનો રસ ભેળવી પીવાથી ફાયદો થાય છે. •સરગવાના પાનનો રસ આંતરડામાં રહેલા કૃમી દૂર કરે છે. •તે ઉપરાંત ચામડીના વિવિધ સંક્રમણથી થતાં રોગ, ગૂમડાં, ફોડકી, ચામડી જાડી થઇ સોજો થઇ જવો જેવી તકલીફમાં સ્વચ્છતાવનું ધ્યાન રાખી કાઢેલા સરગવાના પાનનાં રસને ચોપડવાથી રાહત થાય છે. • સરગવાના પાનનો રસ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આમ આ થવા પાછળનું મુખ્ય કારણ સરગવાના પાનનો રસ મનનો અજંપો, એન્ઝાયટી મટાડવામાં અસરકારક છે.
સરગવાના મૂળની છાલ
•સરગવાની છાલ વાટીને ચામડી પર બાંધવાથી ત્વચા લાલ થાય છે. ત્વચાની રક્તવાહિનીઓ ફૂલે છે. ચામડીનો સોજો દૂર થાય છે. આથી સરગવાની છાલની પોલટીસ સોજો ઉતારવામાં ઉપયોગી છે. •છાલના ચૂર્ણને શુદ્ધ કરી યોગ્ય માત્રામાં આપવાથી આંતરડામાં પાચન માટે આવશ્યક અંતઃસ્રાવોની ક્રિયા સુધરે છે. પરિણામે પાચન, શોષણ અને પોષણની ક્રિયા યોગ્ય રીતે થાય છે. •સરગવાની છાલનું ચૂર્ણ દવાની માફક વાપરવા માટે વૈદની સલાહ જરૂરી છે. તેના ચયાપચય વધારવાની તથા લીવરનું કામ સુધારવાની ક્રિયાઓને ધ્યાન માં રાખી અન્ય દવાઓ સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવુ જરૂરી છે.ડાયા‌બિટીશની ,હાયપોથાયરોડિઝમની એલોપેથીક દવાઓની અસરમાં અનિયમિતતા થતી હોવાનું સંશોધકોએ જણાવ્યુ છે. આ ઉપરાંત કોઈપણ વનસ્પતિનો કેટલા પ્રમાણમા અને કેવી રીતે ઉપયોગ કરવાથી તે દવાનું કામ કરી શકે તે વૈદ જ જણાવી શકે.
સગરવાનું પોષણ મૂલ્ય

આધુનિક વિજ્ઞાનમાં મોરિંગાએ તેની પોષણ ક્ષમતાની વિશિષ્ટતાને કારણે ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં થયેલા સંશોધનો જણાવે છે કે •મોરિંગાના પાન પ્રોટીન તત્વથી ભરપૂર છે. 100 ગ્રામ પાનમાં 9.89 જેટલું પ્રોટીન મળે છે. • વિટામીન Aની માત્રા 100 ગ્રામ તાજા પાનમાં 756410 છે. જે આખા દિવસની વિટામીન Aની 25 ટકા જરૂરિયાત પૂરી કરી શકે. •આ ઉપરાંત વિટામીન C, B કોમ્પલેક્ષનું પ્રમાણ પણ ઘણું છે. એટલું જ નહીં, • સરગવાના પાન, શીંગોમાંથી કેલ્શયમ, આયર્ન મેંગેનિઝ કોપર, ઝીંક, સેલેનિયમ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં મળે છે. પોષકતત્વોની લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને સરગવાનો ખાવામાં ઉપયોગ કરવાથી •ઇમ્યુનિટીની જાળવણી, •હાડકા – ચામડીનું પોષણ, •રક્તશુદ્ધિ, ચામડીના રોગમાં રાહત •સાંધાના દુઃખાવામાં રાહત, •પાચનમાં મદદ જેવા આરોગ્યપ્રદ લાભ મળે છે.
અનુભવ સિદ્ધ
સરગવાની પોષણક્ષમતા અને આરોગ્યપ્રદ ગુણોને ધ્યાનમાં રાખી શીંગનું શાક, ભાજીની માફક પાનનું સૂપ, દાળ – કઢી – સાંભરમાં શીંગનો ઉપયોગ નિયમિત અંતરે કરવો જોઇએ. પાનને કાચા, વધુ માત્રામાં ચાવીને ખાઇ જવા અથવા શીંગોને બાફીને અતિ માત્રામાં ઉપયોગમાં લઇ, ચમત્કારિક રોગ નિવારણનો પ્રયોગ કરવો નહીં, અતિરેકથી, કાચા પાન – શીંગનો પ્રયોગ નુકસાન કરી શકે.

LEAVE A REPLY