બ્રેન્ટ નોર્થના લેબર પાર્ટીના એમપી બેરી ગાર્ડિનરે શનિવારે દેશના ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોમિનિક રાબને એક ખુલ્લો પત્ર લખી કોરોના વાઈરસના રોગચાળામાં એશિયન તેમજ બ્લેક સમુદાયની સરકાર દ્વારા થતી કથિત અવગણના અંગે આકરી ટીકા કરી છે, વ્યથા ઠાલવી છે.બેરીએ લખ્યું છે કે, કોવિદ-19 રોગચાળાના કારણે યુકેમાં માર્ચના શરૂઆતના દિવસોમાં યુકેમાં કોઈ દર્દીના મૃત્યુના પહેલા સમાચાર આવ્યા ત્યારથી મારો બ્રેન્ટ નોર્થનો મતવિસ્તાર અને ત્યાં આવેલી નોર્થવિક પાર્ક હોસ્પિટલ કોરોના વાઈરસના રોગચાળાના કેન્દ્રમાં રહેલી છે.
અમારી હોસ્પિટલે આ ગાળામાં એક જ દિવસમાં 200 દર્દીઓના મોત થયાની સ્થિતિ વેઠી છે તો અમારા વિસ્તારમાં કેર હોમ્સમાં સુશ્રુષા મેળવી રહેલા વડિલોમાંથી પણ 42ના મૃત્યુ એક મહિનામાં થયા છે. અને યુકેમાં બીજા કોઈપણ સમુદાયો કરતાં બ્રેન્ટે આ રોગચાળાના કારણે સૌથી વધારે પીડા અને મૃત્યુ વેઠ્યા છે, ત્યારે એનો ભોગ બનેલાઓમાં એશિયન અને બ્લેક સમુદાયના લોકોનું પ્રમાણ સૌથી વધુ છે. જો કે, એ સ્હેજે નવાઈની વાત નથી કારણ કે અમારો બ્રેન્ટ નોર્થનો સમુદાય જ સમગ્ર યુકેમાં વંશિય દ્રષ્ટિએ સૌથી વધુ વૈવિધ્ય ધરાવે છે.
એશિયન અને બ્લેક સમુદાયના લોકો આ રોગચાળાનો સૌથી વધુ ભોગ બન્યાનું ચિત્ર તો એકંદરે સમગ્ર યુકેમાં લગભગ એકસમાન છે. દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે મૃત્યુ પામેલા NHS સ્ટાફમાંથી અડધાથી વધુ એશિયન્સ, બ્લેક કે માઈનોરિટી સમુદાયના છે. ધી નેશનલ ઓડિટ એન્ડ રીસર્ચ સેન્ટર ફોર ઈન્ટેન્સિવ કેરનો અભ્યાસ એવું દર્શાવે છે કે, સમગ્ર યુકેમાં ફક્ત 14 ટકા વસતી જ વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડની છે, પણ તેની સામે કોરોનાના રોગચાળાનો ભોગ બન્યા પછી ક્રિટિકલ કેરમાં સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં આ લઘુમતી સમુદાયનું પ્રમાણ 34 ટકા છે.
આટલી જબરજસ્ત અસમાનતા પ્રવર્તી રહી હોય ત્યારે સરકારને એ વાતનું ભાન થવું જોઈએ કે, ફક્ત પરંપરાગત માધ્યમોથી પ્રસારિત કરવામાં આવે તો સરકારનો કોરોના વાઈરસના રોગચાળાથી બચવા માટેનો સંદેશો આ સમુદાય સુધી પુરતા પ્રમાણમાં પહોંચશે નહીં. આ સમુદાયમાં વ્યાપક રીતે સંદેશો પહોંચાડવા માટે સરકારે કલ્ચરલ વૈવિધ્યના સંદર્ભમાં દરેક વર્ગને ટાર્ગેટ કરીને એશિયન ભાષાઓમાં આ સંદેશા તૈયાર કરવા પડશે તેનો પણ સરકારને અહેસાસ હોવો જોઈએ. આ વાત સ્પષ્ટ હોવા છતાં શા માટે હજી સુધી એકપણ રાષ્ટ્રીય સ્તરનું જાગૃતિ અભિયાન અંગ્રેજી સિવાયની ભાષામાં ક્યાંય દેખાતું નથી.
એ વાત આવકાર્ય છે કે, બીએમએના ચેરપર્સન ચાંદ નાગપૌલના તથા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિનના અનુરોધનો સરકારે પ્રતિભાવ આપ્યો છે અને શા માટે અસાધારણ રીતે મોટી સંખ્યામાં, અપ્રમાણસરની સંખ્યામાં વંશીય લઘુમતી સમુદાયના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે તે બાબતે ગહન સંશોધનનો આદેશ આપ્યો છે.
આ તપાસમાં એ મુદ્દાને યોગ્ય અને ખરાઈથી ઓળખી કાઢવો જોઈએ કે, માહિતીના અભાવનો ભોગ સૌથી વધુ બનવાની શક્યતા હોય તેવા સામુદાયિક જૂથોને ટાર્ગેટ કરીને તેમને માહિતી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને આવી સમીક્ષા વ્યાપક તેમજ ઉંડાણપૂર્વકની પણ હોવી જોઈએ તેમજ આવા સમુદાયની જેનેટિક પ્રોફાઈલ, રોજગારીની પ્રોફાઈલ તેમજ તેઓ શા માટે વધુ પ્રમાણમાં રોગનો ભોગ બની રહ્યા છે તેના સાંસ્કૃતિક તથા સામાજિક-આર્થિક કારણો પણ શોધી કાઢવામાં આવવા જોઈએ.
દબાયેલા આરોગ્ય સંબંધી કારણો તો હાલમાં કોવિદ-19ના દર્દીઓમાં 80 ટકા સુધી હયાત હોય છે. આપણે જાણીએ છીએ કે આફ્રિકન તેમજ કેરેબિયન સમુદાયના લોકોમાં સિકલ સેલ રોગ વ્યાપક રીતે પ્રવર્તમાન હોય છે, તો ડાયાબિટિસ અને હૃદયની તકલીફો વ્યાપક રીતે દક્ષિણ એશિયન સમુદાયમાં વ્યાપક રીતે પ્રવર્તમાન હોય છે. આ સંજોગોમાં સરકારે શા માટે એથનિક સમુદાયના અખબારોની સરકારે શા માટે અવગણના કરી છે?
આમાંના કેટલાક અખબારોનો તેમના સમુદાયોમાં પ્રચાર-પ્રસાર અસરકારક છે અને તેમાં રજૂ કરાયેલા આરોગ્ય વિષયક સંદેશા પ્રભાવશાળી રીતે પહોંચાડવાનો ઘણો સશક્ત ટ્રેક રેકોર્ડ છે. સરકારે એશિયન તેમજ બ્લેક વગેરે સમુદાયોને એવી ખાતરી કરાવવાની જરૂરત છે કે તેમને સ્હેજે સેકન્ડ ક્લાસ નાગરિકો ગણવામાં નથી આવતા અને એ ખાતરી કરાવવા સરકારે વધારે મહેનત કરવી આવશ્યક છે.
આપણે ત્યાંના લઘુમતી સમુદાયોની અનુવાંષિક તાસિર જે કઈં પણ હોય, એ હકિકત છે કે, આપણે અપ્રમાણસર રીતે એ સમુદાયના લોકો અપ્રમાણસર રીતે વધારે સંખ્યામાં કોવિદ-19ના શિકાર બની મૃત્યુ પામી રહ્યા છીએ અને તેનું એક બીજું મહત્ત્વ કારણ છે ગરીબી – મારા બ્રેન્ટ વિસ્તારમાં અનેક હાઉસમાં વધુ પ્રમાણમાં લોકોનો વસવાટ છે. અને હા, સંખ્યાબંધ એશિયન પરિવારો અનેક પેઢીઓથી પરંપરાગત રીતે એક સાથે મોટા પરિવાર તરીકે વસવાટ કરે છે.
તેમછતાં, મોટી સંખ્યામાં લોકોના ઘરમાં જગ્યાના પ્રમાણમાં વધુ મોટી સંખ્યામાં લોકો એકસાથે રહેતા હોય છે. ન્યૂ પોલિસી ઈન્સ્ટિટયુટે કરેલા એક એનાલિસિસના તારણો મુજબ વસતીની સૌથી વધુ ગીચતા ધરાવતા દેશના પાંચ વિસ્તારોમાં કોવિદ-19ના રોગથી મૃત્યુનું પ્રમાણ સૌથી ઓછી ગીચતા ધરાવતા પાંચ વિસ્તારો કરતાં 70 ટકા ઉંચું છે. આ સંજોગોમાં, સરકારે એવું કહેવું યોગ્ય નથી કે, કોરોના વાઈરસ ભેદભાવ કરતો નથી. તે ભેદભાવ કરે છે જ. તે વંશિય લઘુમતી તેમજ ગરીબ સમુદાયના લોકોને વધુ પ્રમાણમાં મારી રહ્યો છે.
આવશ્યક સેવાના કર્મચારીઓઃ તમારી જાતને જ તમે સવાલ કરો, એ કોણ છે? આપણા ફાર્મસિસ્ટ્સ કોણ છે? આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ કોણ ચલાવે છે? આપણી કોર્નર શોપ્સ કોણ ચલાવે છે? આપણી શેરીઓમાં કોણ કચરા વાળે છે અને બીન્સ કોણ એકત્ર કરે છે? હોસ્પિટલ્સમાં આપણા સફાઈ કર્મચારીઓ, પોર્ટર્સ અને નર્સીઝ કોણ છે? તમે પોતાની જાતને જ એ વાતની યાદ તાજી કરાવજો કે, NHSમાં આપણે ત્યાં ત્રીજા ભાગના ડોક્ટર્સ એશિયન, બ્લેક અને લઘુમતી સમુદાયના છે.
તમારી જાતને એ પણ સવાલ કરજો કે, યુકેના સૌથી વધુ વેચાતા, સૌથી વધુ નકલોનો ફેલાવો ધરાવતા એક એથનિક અખબારે ગયા સપ્તાહે પ્રતિભાવ આપવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરને એક સવાલ કર્યો ત્યારે તેના પ્રવકત્તાએ શા માટે પ્રતિભાવ આપવા ઈનકાર કર્યો હતો? સરકારની બિનકાર્યક્ષમતા તો ભાગ્યે જ માફ કરાય છે, પણ લાપરવાહી તો ક્યારેય માફ કરાતી જ નથી.