ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે વન-ડે ઈન્ટરનેશનલ (ODI)માંથી નિવૃતિ લેવાની સોમવાર, 18 જુલાઈએ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરતાં બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે, હવે ત્રણેય ફોર્મેટમાં રમવું મારા માટે શક્ય નથી અને હવે મારું શરીર પણ સાથ આપી રહ્યું નથી. બેન સ્ટોક્સ મંગળવારે સાઉથ આફ્રિકા સામે છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે.
બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે અને T20માં પણ તે રમવાનું ચાલુ રાખશે. સોશિયલ મીડિયામાં નિવૃતિની જાહેરાત કરતાં બેન સ્ટોક્સે લખ્યું હતું કે, હું મંગળવારે ડરહમમાં ઈંગ્લેન્ડ માટે અંતિમ ODI ક્રિકેટ રમીશ. મેં નક્કી કર્યું છે કે, હું આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લઈશ. આ નિર્ણય કરવો મારા માટે ખુબ જ મુશ્કેલ હતો. ઈંગ્લેન્ડ માટે મારા સાથીઓ સાથે રમવાની દરેક મિનિટની મેં મજા માણી છે. અને રસ્તામાં અમારી ખુબ જ શાનદાર મુસાફરી રહી છે. આ નિર્ણય કરવો અઘરો હતો, પણ એ હકીકતને નકારી શકાતી નથી કે, હું આ ફોર્મેટમાં મારા સાથીઓને મારું 100 ટકા આપી શકતો નથી. ઈંગ્લેન્ડનો શર્ટ જે પહેરે છે તેની પાસેથી 100 ટકાથી ઓછાની અપેક્ષા ન હોઈ શકે.હું ટેસ્ટ ક્રિકેટને મારું સંપુર્ણ આપીશ, અને હવે આ નિર્ણય સાથે હું એવું પણ અનુભવું છું કે, હું ટી20 ક્રિકેટમાં પણ મારું સંપુર્ણ આપી શકીશ. હું જોસ બટલર, મેથ્યૂ મોટ, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફને તમામ સફળતા મળે તેવી ઈચ્છા રાખું છું. છેલ્લા સાત વર્ષમાં અમે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઘણી મહાન સફળતા મેળવી છે અને ભવિષ્ય પણ ઉજળું રહેશે. અત્યાર સુધી રમેલી તમામ 104 મેચોનો મેં આનંદ માણ્યો છે. અને મારી પાસે વધુ એક મેચ છે અને ડરહમમાં છેલ્લી મેચ રમવાની લાગણી અદભૂત હશે. ઈંગ્લેન્ડના ફેન્સ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે.
બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 104 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે, જેમાં તેણે 39.44ની સરેરાશથી 2919 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વન-ડેમાં ત્રણ સદી અને 74 વિકેટ પણ ઝડપી છે. ગત વર્ષે પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં તેણે ટીમનું સુકાનીપદ પણ સંભાળ્યું હતું.