ઈંગ્લેન્ડે તેની વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ માટેની ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી, જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું પુનરાગમન થયું હતું. સ્ટોકસ અગાઉ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, પણ ઈસીબીએ તેને ફેરવિચારણા કરવા અપીલ કરી હતી અને સ્ટોક્સે તેનો નિર્ણય બદલતા તેનો ટીમમાં સમાવેશ કરાયો હતો. ઈંગ્લેન્ડ વન-ડે વર્લ્ડ કપમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન છે. ઈસીબીએ હાલ તો તેની વર્લ્ડ કપ માટેની હંગામી ટીમની જાહેરાત કરી છે.
બુધવારે (16 ઓગસ્ટ) જાહેર કરાયેલી 15 ખેલાડીઓની ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો સમાવેશ નથી તે થોડું આશ્ચર્યજનક છે. સ્ટોકસનો ઓલરાઉન્ડ દેખાવ ટીમને ગત વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રહ્યો હતો અને ઈસીબીને આશા છે કે તે આ વખતે પણ એવો જ શાનદાર દેખાવ કરી શકશે.
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ માટેની હંગામી ટીમ આ મુજબ છેઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, ગસ એટકિન્સન, સેમ કરન, લિયામ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ.