ભારતની ઓછામાં ઓછી સાત કંપની કોરોના વાઈરસની રસી બનાવવા સ્પર્ધા કરી રહી છે. ભારત બાયોટેક, સિરમ ઈન્સ્ટિટ્યૂટ, ઝાયડસ, કૅડિલા, પાનાસિઆ બાયોટેક, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ, માયનવૅક્સ અને બાયોલોજિકલ-ઈ નામની ભારતીય કંપનીઓનો તેમાં સમાવેશ થાય છે.વિશ્ર્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧.૪ કરોડ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા વચ્ચે કોરોના વાઈરસની મહામારીને વધુ ફેલાતી અટકાવવા રસી (વૅક્સિન) બનાવવાના કરવામાં આવી રહેલા વૈશ્ર્વિક પ્રયાસમાં જોડાયેલી ભારતની ઓછામાં ઓછી સાત ફાર્મા કંપનીઓ જીવલેણ કોરોના વાઈરસની રસી વિકસાવવા પર કામ કરી રહી છે.
સામાન્ય રીતે રસી બનાવવામાં વરસો નીકળી જાય છે અને મોટાપાયે તેનું ઉત્પાદન કરવામાં વધારાનો સમય લાગે છે, પરંતુ કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો મહિનાઓમાં જ કોરોનાની રસી વિકસાવવાની આશા સેવી રહ્યા છે.ભારત બાયોટેકને વિકસાવેલી કૅન્ડિડેટ કૉવેક્સિનને પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. આ રસી કંપનીના હૈદરાબાદસ્થિત એકમમાં વિકસાવવામાં આવી છે અને ત્યાં જ તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે જ કંપનીએ માણસો પર આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ આરંભી દીધું હતું.
રસી બનાવતી અન્ય એક અગ્રણી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ પુનાવાલાએ કહ્યું હતું કે હાલના તબક્કે અમે ઍસ્ટ્રાઝૅનેકા ઑક્સફર્ડ વૅક્સિન પર કામ કરી રહ્યા છીએ અને ઑગસ્ટમાં અમે રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ આરંભી દઈશું. ઑગસ્ટ ૨૦૨૦માં માણસો પર પણ તેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
હાલની પરિસ્થિતિ અને ક્લિનિકલ ટ્રાયલના તાજેતરમાં જ મળેલાં અપડૅટને જોતાં અમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમે કોવિડ-૧૯ની રસી વિકસાવી લઈશું, એમ તેમણે કહ્યું હતું.
આ રસી શરૂઆતમાં ભારત તેમ જ વિશ્ર્વભરના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે હશે, એમ તેમણે કહ્યું હતું. ઝાયડસ કૅડિલાએ કહ્યું હતું કે ગયા અઠવાડિયે જ કંપનીએ કૅન્ડિડેટ ઝાયકોવિડ રસીની ક્લિનિકલ ટ્રાયલ આરંભી દીધી હતી અને અમે તે સાત મહિનામાં પૂરી કરી લઈશું, એમ તેમણે કહ્યું હતું. ટ્રાયલ દરમિયાન મળેલા પરિણામો ઉત્સાહજનક હોવાનું તેમણે કહ્યું હતું.
હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ પણ રોહતક પૉસ્ટ ગ્રૅજ્યુએટ ઈન્સ્ટિટયુટ ઑફ મૅડિકલ સાયન્સ ખાતે ગયા અઠવાડિયે જ તેમની કોરોના વૅક્સિન કૉવૅક્સિનની માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી હતી.
ભારત બાયોટેકની સાર્સ-કોવ-૨ વૅક્સિનની પ્રથમ અને બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને ભારતના ડ્રગ નિયામકે મંજૂરી આપી દીધી હતી. કોરોના વાઈરસની રસી વિકસાવવા ઈન્ડિયન ઈમ્યુનોલોકિલ્સે ઑસ્ટ્રેલિયાની ગ્રીફીથ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. આ ઉપરાંત માય્નવૅક્સ અને બાયોલોજિકલ-ઈ નામની ભારતીય કંપનીઓ પણ કોવિડ-૧૯ની રસી વિકસાવવા કામ કરી રહી છે.