હાલમાં બ્રિટન વસંત ઋતુ જેવી સ્થિતિનો આનંદ માણી રહ્યું છે ત્યારે શિયાળો જાણે કે વેર વાળવા પાછો ફર્યો હોય તેમ યુકેમાં નવા ‘બીસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’નું જોખમ ઉભુ થયું છે. તેને કારણે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં માઈનસ 11 જેટલી ઠંડી પડશે એવી આગાહી કરાઇ છે. આ ઠંડીનું મોજુ 10મી માર્ચ સુધી રહે તેવી શક્યતાઓ છે.
2018ના ‘બીસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’ વખતે જોવા મળેલું ‘સડન સ્ટ્રેટોસ્ફેરિક વોર્મિંગ’ (SSW) પાછું આવે તેવી અપેક્ષા છે જેમે કારણે ભારે ઠંડી સહિત બર્ફીલા તોફાનો, ભારે હીમવર્ષા જોવા મળી શકે છે. આગાહી મુજબ તોફાની પવન અને વરસાદ શુક્રવારથી નોર્થ ઇંગ્લેન્ડના ભાગોમાં ત્રાટકશે અને તે દક્ષિણ તરફ આગળ વધવાની ધારણા છે. સતત ત્રણ દિવસ સુધી બરફ પડવાની આગાહી કરાઇ છે. ત્યારપછી બ્રિટન શિયાળાની સંપૂર્ણ અસર સાથે ઠંડકવાળા હવામાનના બીજા વિસ્ફોટનો અનુભવ કરશે.
મેટ ઑફિસના એક નિષણાંતે કહ્યું હતું કે “25 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન, ઠંડા અથવા વધુ ઠંડા તાપમાનનો સમયગાળાની શક્યતાઓ છે.”
નેટવેધરના નિક ફિનિસે ઉમેર્યું હતું કે “SSWનો અર્થ છે કે વસંત ઋતુ આવે તે પહેલા ખૂબજ ઠંડા અને શિયાળુ હવામાનનો અનુભવ થાય છે. આ સ્થિતી યુકેમાં સરેરાશ દર ત્રણમાંથી બે વખત ઠંડીની સ્થિતિ પેદા કરે છે.”
બરફના નકશાઓ 1,000 સ્કવેર કિમી વિસ્તારમાં હિમવર્ષા થશે તેમ જણાવે છે. WX ચાર્ટ્સ અનુસાર, 20 ફેબ્રુઆરીથી નોર્ધર્ન આયર્લેન્ડ, સ્કોટલેન્ડના દક્ષિણના વિસ્તારો અને ઇંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે અને યુકે એક વિશાળ વાવાઝોડાનો અનુભવ કરી શકે છે. વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ઓછામાં ઓછા 3 સેમી પ્રતિ કલાકના દરે ભારે હિમવર્ષા થઈ શકે છે તો મિડલેન્ડ્સમાં 5 સેમી પ્રતિ કલાકના દરે બરફ પડી શકે છે.
આ અગાઉ ડિસેમ્બરમાં બે અઠવાડિયાની ઠંડક બાદ જાન્યુઆરીમાં સબ-ઝીરો ટેમ્પરેચરનો દેશે અનુભવ કર્યો હતો. આ સ્થિતી માટે બ્રિટનના લોકોએ આગોતરી તૈયારીઓ કરવાની જરૂર પડશે. કેમ કે તે જીવલેણ પરિસ્થિતિમાં પરિણમી શકે છે. 2018ના ‘બીસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’ હિમ વર્ષા અને તોફાનોમાં 17 લોકોના મરણ થયા હતા. તે વખતે મેટ ઓફિસે દેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. 2018માં કેટલાક વિસ્તારોમાં 22 ઈંચ હિમવર્ષા થઈ હતી અને અંદાજે £1.2 બિલિયનનું નુકસાન થયું હતું. બરફના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભારે વિક્ષેપ ઉભો થયો હતો અને લંડનમાં એક વ્યક્તિનું થીજી ગયેલા તળાવમાંથી ખેંચાયા બાદ મૃત્યુ થયું હતું. જ્યારે સ્કોટલેન્ડ, ડેવોન, સમરસેટ અને સાઉથ વેલ્સ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો રહ્યા હતા.
હાલમાં યુકેના દક્ષિણના ભાગોમાં તાપમાન 13 ડીગ્રી સેલ્સીયસ અને નોર્થમાં 11 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન રાતના સમયે સબ ઝીરો જેટલું નીચુ જાય છે.