– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
શાકાહારી હોવું તે પુરુષ, સ્ત્રી, બાળક દરેક માટે જીવનનું અત્યંત મહત્વનું પાસુ છે. શાકાહારી રહીને આપણે દરેક જણ પૃથ્વીની અને માનવતાની સારસંભાળમાં અમૂલ્ય પ્રદાન કરી શકીએ છીએ.
આપણે આપણા જીવનમાં ઘણી બધી પસંદગીઓ સવાલ પૂછ્યા વગર કરીએ છીએ. આ શા માટે છે તેવો સવાલ પૂછવાની પણ તસ્દી આપણે લેતા નથી. આપણે કયા ધર્મમાં માનીએ છીએ, આપણા મૂલ્યો શું છે અને આપણે શું ખાઈએ છીએ તે પણ મહદ્ અંશે એક આવી જ પસંદગી છે. કદાચ આપણે જે વાતાવરણમાં ઉછર્યા હોઈએ છીએ તે રીતે જીવવાનું ચાલુ રાખીએ છીએ. આપણે મોટાભાગે આપણા માતાપિતાની પસંદગી અપનાવી લઈએ છીએ કે તેનું અનુસરણ કરીએ છીએ. આમ ન કરીએ તો આપણે જે રીતે ઉછર્યા તેની સામે બળવો કરીએ છીએ. આપણા માતાપિતાએ એક પસંદગી કરી હતી અને બળવો કરીને આપણે તેમનાથી વિપરીત પસંદગી કરીએ છીએ. આ બધી બાબતોમાં તે હકીકત છે કે કોઈપણ રીતે આપણે શા માટે જીવીએ છીએ તે જોવા માટે આપણે ભાગ્યે જ સમય કાઢીએ છીએ.
અર્થ ડેના દિવસે હું એ બતાવવાની તક લેવા માંગું છું કે શાકાહારીઓ તરીકે જીવવું આપણા માટે કેમ મહત્વનું છે. હું આપણી પસંદગી પાછળ આપણે આપણા શરીરમાં ખોરાક ઉતારીએ છીએ તેના ઘણા ઊંડા સૂચિતાર્થોની વાત કરવા માંગું છું. મેં ઘણા ભારતીય યુવાનોને તેમ કહેતા સાંભળ્યા છે મારા માતાપિતા મને શાકાહારી જ રહેવા માટેનું યોગ્ય કારણ આપી શકતા નથી. તેઓ ફક્ત કહે છે કે ગાય પવિત્ર છે, પરંતુ હું ગાય પવિત્ર માનતો ના હોઉં તો હું હેમબર્ગર કેમ ન ખાઈ શકું?
શાકાહારનું મહત્વ ફક્ત ગાયની પવિત્રતાની માન્યતા પૂરતુ વીંટળાયેલું નથી, પરંતુ તેની માન્યતાથી પણ વિશેષ છે. વાસ્તવમાં શાકાહારનો સિદ્ધાંત હજારો વર્ષો પહેલા હતો તેટલો જ આજે મહત્વપૂર્ણ છે, પરંતુ તેના કારણોમાં થોડો ફેરફાર થયો છે. તેના કેટલાક સૂચિતાર્થો અને કારણો આજે પણ એવા જ છે જે હજારો વર્ષ પહેલા આપણે શાસ્ત્રો લખ્યા હતા તે સમયે હતા. જો કે ઘણા કારણો સીધેસીધા તે વિશ્વ સાથે જોડાયેલા છે જ્યાં આપણે જીવીએ છીએ, જ્યાં આપણું અસ્તિત્વ છે.
શાકાહારી હોવું હંમેશાની રીતે યોગ્ય ‘નૈતિક’ અને ‘આધ્યાત્મિક’ પસંદગી રહી છે, આજે આ બાબત તેના કરતાં પણ આગળ વધી ગઈ છે અને છેક પ્રકૃતિની સાથે જોડાઈ ગઈ છે. આજે પૃથ્વીને માતા ગણીને તેના પર રહેતા તમામ લોકોના કલ્યાણ વિશે ચિંતિત હોય તેવા કોઈપણ માટે તે અનિવાર્ય પસંદગી છે. આ ફક્ત ધાર્મિક આધારે જ લેવાતો નિર્ણય નથી. હવે શાકાહાર અને શાકાહારી અંગેના તમામ નૈતિક અને આધ્યાત્મિક કારણોને બાજુએ રાખીએ તો પણ કોઈ કહી શકે છે કે કચરો અને ઇકોલોજીના સંદર્ભમાં શાકાહાર એ એકમાત્ર જવાબદાર પસંદગી છે.
આજે ક્લાઇમેટ ચેન્જની વાતો થઈ રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા લોભના લીધે પૃથ્વી પરના કુદરતી સંસાધનો ભયાનક દરે ઘટી રહ્યા છે. વિશ્વના ત્રીજા ભાગથી વધુ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. આપણે ચિંતિત છીએ કે આપણે આ દિશામાં શુ કરી શકીએ. શાકાહારી બનવાના લીધે લગભગ દરેક વ્યક્તિ ઇકોલોજીકલ એટલે કે પર્યાવરણની સુરક્ષાના મુદ્દા સાથે જોડાઈ જાય છે. તે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાઈ જાય છે. આજે પૃથ્વીના અસ્તિત્વની જાળવણી માટે પણ શાકાહારી બનવું દરેક વ્યક્તિ માટે એકમાત્ર પસંદગી છે.
પૃથ્વીને માતા તરીકે ગણતા અને તેના અસ્તિત્વની અને તેના પર રહેતા બધા લોકોના આરોગ્ય અંગે ચિંતિત લોકો માટે શાકાહારી બનવું કે હોવું પહેલી પસંદગી છે. ભૂખ, તરસ, પૃથ્વી પરથી વિલુપ્ત થતી પ્રજાતિઓ, વરસાદી જંગલોનો વિનાશ, વન નાબૂદી અને પાણી, જમીન તથા શક્તિ જેવા અમૂલ્ય સંસાધનોનો થઈ રહેલો ક્ષય અટકાવવા માટે આપણા તરફથી વ્યક્તિગત રીતે થતી મદદ હોય તો તે શાકાહારી થવાની છે. તે જ શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક પુરુષ, સ્ત્રી અને બાળક પૃથ્વીની સારસંભાળ અને માનવતાને જાળવી રાખવા માટે આ કાર્ય દરરોજ કરી શકે છે.
આજે સમગ્ર ઔદ્યોગિક જગતમાં દરેક વ્યક્તિ પૃથ્વીને બચાવવા માટે શું કરી શકે તેના અંગે વાત થઈ રહી છે. ઇકોલોજીકલ કન્ઝર્વેશન હવે ફક્ત આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં જ ચર્ચાતો મુદ્દો નથી, પણ દરેક ઘરમા ચર્ચાતો મુદ્દો છે. ભૂખે મરતા લાખો બાળકોની ભૂખ સંતોષવા હજારો કાર્યક્રમો છે. આમ છતાં જ્યારે આપણે ગ્રહને બચાવવા કે ભૂખ્યાઓને ખવડાવવાની ઇચ્છા વિશે વાત કરીએ ત્યારે આપણી ક્રિયાઓ એકદમ વિપરીત હોય તો પછી આપણા શબ્દો પોકળ છે.
આપણે આફ્રિકાના રણમાં ખોરાના ક્રેટ્સ લઈ જઈ શકતા નથી. જંગલમાં કાપવામાં આવેલા દરેક વૃક્ષની આપણે ફરીથી રોપણી કરી શકતા નથી, પરંતુ આપણે તેને યથાવત તો રાખી જ શકીએ છીએ. આપણે વૃક્ષ છેદન જેવી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો ઇન્કાર કરીને આ પ્રકારની ક્રૂરતા ટાળી શકીએ છીએ. આપણે ઓછામાં ઓછું આપણું જીવન અને આપણા કાર્યોને શુદ્ધ અને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
ભૂખમરા સામેની ઝુંબેશ અથવા પર્યાવરણીય સંસ્થાને ટોકન દાનના બદલે ચાલો આપણે દરરોજ એક ભોજન એવું બનાવીએ જે ફક્ત આપણા પોતાના આરોગ્યનું જ નહી પણ આપણા ગ્રહના આરોગ્ય અને તેના પરના દરેક વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.