British government in favor of BBC on PM Modi's documentary issue

એક્સક્લુસિવ ઇન્વેસ્ટીગેશન

બાર્ની ચૌધરી દ્વારા

બીબીસી માટે 200થી વધુ વર્ષોના સંયુક્ત અનુભવ સાથે કામ કરનાર વરિષ્ઠ સાઉથ એશિયન સ્ટાફે, બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનમાં દાયકાઓ સુધી “પ્રણાલીગત, માળખાગત અને સંસ્થાકીય જાતિવાદ” પ્રવર્તી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગરવી ગુજરાતે છેલ્લાં અઠવાડિયામાં લગભગ 20 જેટલા સાઉથ એશિયાના વર્તમાન અને પૂર્વ પત્રકારો, સંવાદદાતાઓ, નિર્માતાઓ અને કેમેરા ક્રૂ સાથે વાત કરી હતી. તેમની વાતોથી આ વર્ષના પ્રતિષ્ઠિત એડિનબરા ટીવી ફેસ્ટિવલના જેમ્સ મેક’ટાગાર્ટ વ્યાખ્યાનમાં ઇતિહાસકાર, પ્રોફેસર અને બ્રોડકાસ્ટર ડેવિડ ઓલુસોગા દ્વારા આ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવેલા રેસીઝમના ઘટસ્ફોટનો સમર્થન મળ્યું છે. બીબીસી વિરુદ્ધ હજુ સુધી કોઈ રેસીઝમનો કેસ જીત્યુ નથી. પરંતુ ગરવી ગુજરાત દ્વારા સૌ પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું છે કે બબીસીને તાજેતરના પાંચ વર્ષના ગાળામાં જાતિવાદી ભેદભાવ અને ભોગ બનવા અંગેની કુલ 16 ફરિયાદોનો સામનો કરવો પડ્યો હતો, તેમાંથી પાંચ કેસમાં સમાધાન થયું છે.

વાતચીત દરમિયાન થોડી ક્ષણોમાં જ રડી પડેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે “મારા ત્રણ વર્ષ નરકનાં વર્ષો હતા, મારા આત્મવિશ્વાસને નબળી પાડી દેવાયો હતો, મારી ક્ષમતાઓ પર સવાલ ઉભા કરાયા હતા અને મને અહેસાસ કરાયો હતો કે હું કશું જ નથી.”

ઓલુસોગાએ કહ્યું હતું કે “અમારી ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતી અંદરની સંસ્કૃતિએ મને એકલો અને આત્મવિશ્વાસ વગરનો બનાવી દીધો હતો. મારે ક્લિનિકલ ડિપ્રેસન માટે તબીબી સારવાર લેવી પડી છે.” અન્ય એશિયન બીબીસી કર્મચારીએ કહ્યું કે ‘’તેઓ એક સમાન અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. હું હવે વધારે બોજ નહીં ઉઠાવી શકું. હું ડૉક્ટરને ડિપ્રેસન ટેબ્લેટ્સ માટે પૂછી રહ્યો છું. હું મારા માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરું છું. હું નર્વસ બ્રેકડાઉનની નજીક છું.”

ગરવી ગુજરાતે જે લોકો સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ‘’તેમની ફરિયાદો સંસ્થા વિરુદ્ધ છે. પરંતુ તેમને ડર છે કે તેમના શ્વેત બોસ રક્ષણાત્મક હશે અને તેઓ થનારા નુકસાનને સમજી શકશે નહીં જે બીબીસીને હાની પહોંચાડશે. જે એક સંગઠન તરીકે, સંસ્થાકીય રીતે જાતિવાદી સંસ્કૃતિ ઉભી કરવા માટેનું કારણ બન્યું છે.

લેબરના નોરીચ સાઉથના સાંસદ, ક્લાઇવ લુઇસ પણ તેની સાથે સંમત છે. 13 વર્ષ સુધી બીબીસી માટે કામ કરનાર લુઇસે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે તેઓ બીબીસીને પ્રેમ કરે છે પરંતુ ત્યાં કામ કરવાના ઉતાર-ચઢાવને લીધે નબળા પડી રહ્યા હતા. તેમની સાથે એક શ્વેત સાથીદાર દ્વારા બુલીઇંગ કરવામાં આવતુ હતું અને ઘણી વાર તેઓ કામ પર આવતી વખતે “શારીરિક રીતે બીમાર” હોવાનો અનુભવ કરતા હતા.

તેમણે જણાવ્યું હતું કે “આ પ્રણાલીગત, માળખાગત અને સંસ્થાકીય જાતિવાદ વિશેની કપટી બાબત છે. તમે સારા અને શિષ્ટ લોકો સાથે કામ કરી શકો છો, જેઓ રેસીઝમ વિરોધી માર્ચ પર પણ તમારી સાથે ચાલશે, છતાં સંસ્થાની અંદરની પ્રણાલીગત, માળખાકીય અને સંસ્થાકીય સમસ્યાઓનો તેઓ ભાગ હોઈ શકે છે. બીબીસીમાં ઘણી બધી સમસ્યાઓ છે, જેમાં સંસ્થાકીય જાતિવાદ મુખ્ય છે. અહીં જાતિ અને વર્ગનો મુદ્દો પણ છે. બીબીસીમાં ચોક્કસપણે સ્થાપીત અને વર્ગના ભેદભાવ પ્રવર્તે છે. તે તમારા આત્મવિશ્વાસ, તમારા સ્વ-મૂલ્યને દૂર કરે છે, તે તમારી નોકરી કરવાની તમારી ક્ષમતા પર પ્રશ્ન કરે છે. આશ્ચર્યજનક રીતે લોકો કહે છે કે તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે.”

કોન્ટ્રેક્ટ વગર 36 મહિના સુધી બીબીસી માટે અહેવાલ આપનાર એક એશિયને જણાવ્યું હતું કે “એક શ્વેત મિત્રને તેની શિફ્ટ માટે ચૂકવણી કરવામાં આવી હતી. પરંતુ મને નહિ. સ્પષ્ટ હતું કે તેઓ જે કરે છે તે જ કામ હું કરું છું. જ્યારે પણ હું અંદર જતો ત્યારે નવા ચહેરાઓને દેખતો. બધા યુવાન અને શ્વેત. એક પણ બ્રાઉન નહીં. મેં વારંવાર મારી જાતને સાબિત કરી હતી. કોન્ટ્રાક્ટ મેળવવા માટે મારે વધુ શું કરવાની જરૂર છે? જો તે જાતિવાદ નથી, તો મને ખબર નથી કે તે શું છે.”

એક વર્તમાન કર્મચારીએ કહ્યું હતું કે “અમે બોલી શકીએ નહીં. જો કોઈને ખબર પડે, તો મને બુલી કરાશે. અમે બહુ ડરેલા અને ભયભીત છીએ. કારણ કે તેઓ કાપ મૂકવાના છે અને અમારાથી છૂટકારો મેળવવા માટે કોઈ બહાનું શોધી રહ્યા છે. પરંતુ તેઓ જાતિવાદને છુપાવવામાં હોંશિયાર છે. શ્વેત લોકો કંઈ પણ જાતિવાદી કહેશે નહીં, પરંતુ તેમની ક્રિયાઓ બોલે છે અને અમને નુકસાનમાં મૂકી દે છે.”

બીબીસીમાં ડરનું વાતાવરણ એટલું ખરાબ છે કે હાલમાં કોર્પોરેશનમા કામ કરતા સ્ત્રોતો ફક્ત એક જ શરતે બોલે છે કે ગરવી ગુજરાત તેમનું સ્થાન કે તેઓ કયા વિભાગમાં કાર્યરત છે તેની કોઇ ઓળખ છતી કરશે નહિ.

એક વ્યક્તિએ કહ્યું હતું કે, “તેઓ એવા અનુભવ વિનાના યુવાનોને રોજગારી આપી રહ્યા છે, જેઓ BAMEની વાત કરવા માંગતા નથી.’’ એકએ કહ્યું કે “જ્યારે અમે બધા નહિં હોઇએ ત્યારે શું થશે? એશિયન લાઇસન્સ ફી ચુકવનારની સેવા કોણ કરશે? ”

Clive Lewis MP

David Olusoga, (Photo by Frederick M. Brown/Getty Images)

Naga Munchetty (Photo by John Phillips/Getty Images)

જૂન મહિનામાં, બ્લેક લાઇવ્સ મેટર આંદોલન બાદ બીબીસીના સેંકડો મેનેજરોની સાપ્તાહિક મીટિંગમાં વક્તાઓ પૈકીના એક અને હેડ ઓફ ક્રીએટીવ ડાયવર્સીટી, મિરાન્ડા વેલેન્ડે આગામી ત્રણ વર્ષમાં વિવિધતા માટે નવી £100 મિલિયન ફાળવવાની વાત કરી હતી. તે અંગે ગરવી ગુજરાત સાથે વાત કરનારા બે સ્ત્રોતોને લાગ્યું હતું કે તે એક પબ્લિસિટી સ્ટંટ છે. બીબીસીએ તેના ડાયવર્સીટી ક્રેડેન્શીયલ બતાવવા વર્તમાન રાજકીય વાતાવરણનો લાભ લીધો છે. મિરાન્ડાને તે પૈસા ક્યાં ખર્ચવામાં આવશે અને કયો તફાવત જોવા મળશે તે જણાવ્યુ નથી અને લોકો હજી પણ જવાબની રાહ જોઈ રહ્યા છે. આ સ્ત્રોતોએ BAME સ્ટાફ અને તેમના વરિષ્ઠ મેનેજરો વચ્ચેના અવિશ્વાસ વિશે પણ જણાવ્યું છે. બીબીસીએ તેના 400 શ્યામ અને એશિયન સ્ટાફ એસોસિએશન, એમ્બ્રેસ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

ગરવી ગુજરાતને જાણવા મળ્યું છે કે તે બેઠક દરમિયાન, કર્મચારીઓએ બુલીઇંગ, બીબીસી બ્રેકફાસ્ટના પ્રસ્તુતકર્તા નાગા મુનચેટ્ટીના વિવાદ અને રેસીઝમ અંગે નિષ્પક્ષતા અંગે પણ રજૂઆતો કરી હતી. બીબીસીમાં સંસ્થાકીય જાતિવાદની તપાસ માટે પૂછતા સીનીયર મેનેજરો મૌન રહ્યા હતા અને જવાબ આપ્યો નહતો તેમ ગરવી ગુજરાત માને છે.

એક વરિષ્ઠ એશિયન કહે છે, “અમે વારંવાર પૂછ્યું હતું. પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. તેમણે અમારી ચિંતાઓને એક બાજુ મૂકી દીધી હતી. હું ત્યાં 30 વર્ષ રહ્યો છું અને છેલ્લા 10 વર્ષમાં બાબતો ચોક્કસપણે ખરાબ થઈ છે.”

બીજાએ કહ્યું, “અમે પ્રગતિના અભાવથી, જાતિવાદથી કંટાળી ગયા છીએ અને સતત પોતાને શ્વેત સાથીદારો કરતા વધારે સાબિત કરવા પડે છે. જેઓ ફરિયાદ કરે છે તેમને ચૂંટી કાઢે છે. ઘણાં લોકો બીજી તકો લેવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે.” એક વરિષ્ઠ એશિયન હાલમાં સ્વૈચ્છિક રીડન્ડન્સી (વીઆર) પેકેજ પર વાતચીત કરી રહ્યા છે. એક દક્ષિણ એશિયન સ્ટાફે કહ્યું હતું કે “એશિયન નેટવર્ક પ્રતિભા વિકસાવવા માટેનું સંપૂર્ણ સ્થળ છે. પણ તેને એક દાયકાથી શ્વેત લોકો દ્વારા ચલાવવામાં આવે છે. જૂનના અંતમાં, બીબીસીએ જાહેરાત કરી કે તેનું એશિયન નેટવર્કના નવા વડા અહેમદ હુસેન હશે, જેમણે પરત ફરતા પહેલા પોતાને સાબિત કરવા માટે કોર્પોરેશન છોડવું પડ્યું હતું એમ એક સ્ત્રોતે જણાવ્યું હતું.

ગરવી ગુજરાતે પોતાના પુરાવા સંખ્યાબંધ BAME સાંસદોને બતાવતા તેઓ હવે બીબીસીમાં સંસ્થાકીય જાતિવાદની તપાસ કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરી રહ્યા છે, જેમાં સંસદીય તપાસ શામેલ હોઈ શકે છે.

બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે વ્યક્તિગત સ્ટાફની બાબતો પર કદી ટિપ્પણી કરતા નથી. અમે તમામ પ્રકારના બુલીઇંગ અને હેરેસમેન્ટ પ્રત્યે ઝીરો ટોલરન્સનો અભિગમ ધરાવીએ છીએ. તેથી જ કર્મચારીઓ માટે ફરિયાદો ઉભી કરવા માટે અમે સખત પ્રક્રિયાઓ કરીએ છીએ, જે અંગે અત્યંત ગંભીરતા સાથે વ્યવહાર કરવામાં આવે છે. બીબીસી એકદમ સ્પષ્ટ છે કે અમે એક સમાવિષ્ટ અને આવકારદાયક સંસ્થા છીએ અને જો કોઇ કામ પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ અનુભવી રહ્યું હોય તો અમને દુ:ખ થાય છે.”