ઇલિંગ, સાઉથોલના સંસદ સભ્ય વિરેન્દ્ર શર્માએ પોતાનો પ્રતિભાવ આપતાં ‘ગરવી ગુજરાત’ને ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું કે “મેં બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ જોઈ નથી, મેં જે સાંભળ્યું છે તેના પરથી આ ડોક્યુમેન્ટરી સાંભળેલી વાતો પર ખૂબ આધાર રાખે છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ગુજરાત રમખાણોના કારણો અને પૃષ્ઠભૂમિ પર ચુકાદો આપ્યો હતો જેમાં તેમણે તે પ્રક્રિયામાં સરકારના તમામ સ્તરે લોકોની ટીકા કરી હતી. હું માનું છું કે ડોક્યુમેન્ટ્રીમાં જેક સ્ટ્રોએ અપ્રકાશિત સરકારી કાગળોના આધારે ઘણા નિવેદનો આપ્યા છે, જે કન્સલ્ટ માટે ઉપલબ્ધ નથી. આ બધુ જોતાં આટલા બધા આધારહીન આક્ષેપો કરવા અને ધાર્મિક અને સામુદાયિક તણાવ ઉભો કરવો તે ખતરનાક છે.’’
‘’આપણે તાજેતરમાં લેસ્ટરમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવાનું જોખમ જોયું છે, હું એવા તમામ પગલાઓની નિંદા કરું છું જે તણાવને ઉશ્કેરે છે અને અસત્ય ફેલાવે છે.”